FPI Selling: ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં FPIs (વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો) દ્વારા ભારતીય શેરબજારમાંથી 11,820 કરોડની જંગી રકમ પાછી ખેંચવામાં આવી. રૂપિયાની નબળાઈ અને વૈશ્વિક કારણોસર આ વેચવાલી જોવા મળી. જાણો આ મુશ્કેલ સમયમાં સ્થાનિક રોકાણકારોએ બજારને કેવી રીતે ટેકો આપ્યો.
એક તરફ જ્યાં FPIs વેચવાલી કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ ઘરેલું સંસ્થાગત રોકાણકારો (DII) એ બજારને મજબૂત ટેકો આપ્યો.
FPI Selling: ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા વેચવાલીનો માહોલ ડિસેમ્બર મહિનામાં પણ ચાલુ રહ્યો છે. મહિનાના પ્રથમ સપ્તાહમાં જ FPIs એ ભારતીય બજારોમાંથી 11,820 કરોડની ચોખ્ખી રકમ પાછી ખેંચી લીધી છે, જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે. આ સતત બીજો મહિનો છે જ્યારે વિદેશી રોકાણકારો વેચવાલ રહ્યા છે, નવેમ્બરમાં પણ તેમણે 3,765 કરોડના શેર વેચ્યા હતા. NSDLના આંકડા મુજબ, આ તાજેતરની વેચવાલી સાથે, આ વર્ષે FPIs દ્વારા કરવામાં આવેલ કુલ વેચાણનો આંકડો 1.55 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
વિદેશી રોકાણકારો કેમ શેર વેચી રહ્યા છે?
બજારના નિષ્ણાતોના મતે, આ વેચવાલી પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે:
રૂપિયાની નબળાઈ: જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, આ વર્ષે ભારતીય રૂપિયો ડોલર સામે લગભગ 5% જેટલો નબળો પડ્યો છે. રૂપિયાની કિંમતમાં ઘટાડો થવાથી વિદેશી રોકાણકારોના નફા પર સીધી અસર થાય છે, જેના કારણે તેઓ પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે.
વર્ષના અંતે પોર્ટફોલિયોમાં ફેરફાર: એન્જલ વનના સિનિયર ફંડામેન્ટલ એનાલિસ્ટ, વકારજાવેદ ખાનનું કહેવું છે કે વૈશ્વિક રોકાણકારો સામાન્ય રીતે વર્ષના અંતમાં અને રજાઓની સિઝન પહેલાં તેમના પોર્ટફોલિયોને ફરીથી ગોઠવતા હોય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, જેના કારણે પણ વેચવાલી વધી છે.
વૈશ્વિક પરિબળો: ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં થઈ રહેલા વિલંબને કારણે પણ વૈશ્વિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે.
સ્થાનિક રોકાણકારો (DII) બન્યા બજારના તારણહાર
એક તરફ જ્યાં FPIs વેચવાલી કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ ઘરેલું સંસ્થાગત રોકાણકારો (DII) એ બજારને મજબૂત ટેકો આપ્યો. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં DII દ્વારા 19,783 કરોડ ની રેકોર્ડ ખરીદી કરવામાં આવી. DIIનો આત્મવિશ્વાસ ભારતના મજબૂત GDP આંકડા અને ભવિષ્યમાં કંપનીઓની કમાણી વધવાની અપેક્ષા પર આધારિત છે. RBI ના નિર્ણયોથી બજારને મળ્યો બૂસ્ટ, FPI વેચવાલીના દબાણ વચ્ચે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયોએ બજારના સેન્ટિમેન્ટને સુધારવામાં મદદ કરી.
RBI એ 5 ડિસેમ્બરે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો, જે બજાર માટે સકારાત્મક સંકેત હતો. આ સાથે, RBIએ આગામી નાણાકીય વર્ષ માટે ભારતનો ગ્રોથ રેટ 7.3% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો અને છૂટક ફુગાવાનો દર ઘટીને 2% રહેવાની આગાહી કરી. આ મજબૂત આર્થિક સંકેતોએ સ્થાનિક રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો, જેના કારણે બજાર મોટા ઘટાડાથી બચી ગયું. ટૂંકમાં ભલે વિદેશી રોકાણકારો વૈશ્વિક કારણોસર વેચવાલી કરી રહ્યા હોય, પરંતુ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને સ્થાનિક રોકાણકારોના વિશ્વાસને કારણે શેરબજાર સ્થિર રહ્યું છે.
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી નિષ્ણાતોના અંગત મંતવ્યો પર આધારિત છે. આ કોઈ રોકાણની સલાહ નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ લો.