H1B visa: ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નામ લીધા વગર જ તીખો સંદેશ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે ગ્લોબલ વર્કફોર્સને વાસ્તવિકતા ગણાવી અને કહ્યું કે વિશ્વ આ જરૂરિયાતને અવગણી ના શકે. તેમણે આ વાત પર પણ ભાર મૂક્યો કે ઘણા દેશો પોતાની વસ્તીથી લેબરની માંગ પૂરી કરી શકતા નથી.
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના કાર્યક્રમમાં જયશંકરે કહ્યું, "આ એક હકીકત છે. તમે તેનાથી દૂર ભાગી ના શકો. ગ્લોબલ વર્કફોર્સ પોલિટિકલ વિવાદનો મુદ્દો બની શકે છે, પરંતુ તેનાથી કોઈ છટકારો મેળવી શકે તેમ નથી. જો તમે માંગ અને ડેમોગ્રાફિક્સ જુઓ તો, કેટલાય દેશોમાં રાષ્ટ્રીય વસ્તીને કારણે આ માંગ પૂરી થતી નથી."
તેમણે વધુમાં એક વધારે સ્વીકાર્ય, કન્ટેમ્પરરી અને એફિશિયન્ટ ગ્લોબલ વર્કફોર્સ મોડલ બનાવવાની વાત કરી. જયશંકરે કહ્યું, "આપણે કેવી રીતે એક વધુ સ્વીકાર્ય, આધુનિક અને કુશળ વર્કફોર્સ તૈયાર કરી શકીએ, જે ડિસ્ટ્રિબ્યુટેડ અને ગ્લોબલ વર્કપ્લેસ પર આધારિત હોય? મને લાગે છે કે આ આજનો મોટો સવાલ છે, જેનો જવાબ આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને આપવો પડશે."
આ ટિપ્પણી ટ્રેડ, ટેરિફ અને ઇમિગ્રેશન પર ટ્રમ્પની કડક નીતિઓ વચ્ચે આવી છે. H1B વીઝા લાંબા સમયથી ભારતીય IT અને ટેક્નોલોજી પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં જોબ મેળવવાનું મુખ્ય સાધન છે. આંકડા મુજબ, આ વીઝાના લગભગ ત્રીજા-ચોથા ભાગના લાભાર્થીઓ ભારતીય છે. કંપનીઓ આ વીઝા દ્વારા IT, મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં વિદેશી કર્મચારીઓને હાયર કરી શકે છે. પરંતુ ટ્રમ્પ અડમિનિસ્ટ્રેશને H1B વીઝા પર $100,000ની નવી ફી લાદી છે, જે એગ્ઝિસ્ટિંગ ફાઇલિંગ અને લીગલ કોસ્ટ્સથી અલગ છે. આથી વીઝા ઘણો મોંઘો થઈ જશે.