Middle East War: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કતરને ચેતવણી આપી કે હમાસના આતંકીઓને દોહામાંથી હટાવો અથવા ખતમ કરો, નહીં તો ઇઝરાયલ ન્યાય કરશે. 7 ઓક્ટોબર 2023ના હુમલાને 11 સપ્ટેમ્બર સાથે સરખાવતા તેમણે કતર પર હમાસને શરણ આપવાનો આરોપ લગાવ્યો.
નેતન્યાહુએ આરોપ લગાવ્યો કે કતર હમાસના આતંકીઓને નાણાકીય સહાય અને આશ્રય આપી રહ્યું છે.
Middle East War: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કતરને સખત ચેતવણી આપી છે કે તે હમાસના આતંકીઓને તેની રાજધાની દોહામાંથી હટાવે અથવા તેમને ખતમ કરે, નહીં તો ઇઝરાયલ પોતે આ માટે પગલાં લેશે. નેતન્યાહુએ દોહામાં હમાસના રાજકીય કાર્યાલયને લઈને આકરા શબ્દોમાં કહ્યું કે, કતર હમાસના નેતાઓને શરણ આપી રહ્યું છે અને તેમને બંગલા તેમજ નાણાકીય મદદ પૂરી પાડી રહ્યું છે, જેનો ઉપયોગ ઇઝરાયલ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થાય છે.
નેતન્યાહુએ 7 ઓક્ટોબર 2023ના હમાસના હુમલાની સરખામણી અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલા સાથે કરી. તેમણે કહ્યું કે આ હુમલો હોલોકોસ્ટ પછી યહૂદીઓ પર થયેલો સૌથી મોટો હુમલો હતો. તેમણે અમેરિકાના ઉદાહરણને ટાંકતા કહ્યું કે, 11 સપ્ટેમ્બરના હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલકાયદા અને ઓસામા બિન લાદેન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેવી જ રીતે, ઇઝરાયલ પણ હમાસના આતંકીઓને ક્યાંય પણ શોધીને ખતમ કરશે.
કતર પર ગંભીર આરોપ
નેતન્યાહુએ આરોપ લગાવ્યો કે કતર હમાસના આતંકીઓને નાણાકીય સહાય અને આશ્રય આપી રહ્યું છે. તેમણે કહ્યું કે આ નાણાંનો ઉપયોગ ઇઝરાયલ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, અમેરિકાએ 11 સપ્ટેમ્બરના હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે કોઈ પણ દેશે આતંકીઓને આશ્રય ન આપવો જોઈએ અને તેઓ જ્યાં હશે ત્યાં ખતમ કરવામાં આવશે. ઇઝરાયલ પણ આ જ નીતિને અનુસરી રહ્યું છે.
ઓસામા બિન લાદેનનું ઉદાહરણ
નેતન્યાહુએ કહ્યું, “અમે તે જ કરી રહ્યા છીએ જે અમેરિકાએ કર્યું હતું. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલકાયદાના આતંકીઓને ખતમ કર્યા અને પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને માર્યો.” તેમણે દુ:ખ વ્યક્ત કર્યું કે જે દેશોએ બિન લાદેનના મોત પર અમેરિકાની પ્રશંસા કરી હતી, તે જ દેશો હવે ઇઝરાયલની નિંદા કરી રહ્યા છે. કતર સહિત અન્ય મુસ્લિમ દેશોએ દોહામાં ઇઝરાયલની કાર્યવાહીની ટીકા કરી છે. કતરે કહ્યું કે દોહામાં હુમલો તેમની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે અને આનાથી મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ ફેલાઈ શકે છે.
શું છે પૂરો વિવાદ?
2012થી હમાસે કતરની રાજધાની દોહામાં પોતાનું રાજકીય કાર્યાલય સ્થાપ્યું છે. એવું માનવામાં આવે છે કે ગાઝામાં હમાસનું શાસન દોહામાંથી જ નિયંત્રિત થાય છે. નેતન્યાહુનું કહેવું છે કે કતરની આ ભૂમિકા આતંકવાદને પ્રોત્સાહન આપે છે, અને તેમની આ ચેતવણી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે.