ભારત અને અમેરિકા વચ્ચે રશિયા સાથેની ઓઈલ ડીલ અને ટ્રેડ સંબંધોને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ ડ્રગ્સ હેરફેરના આરોપસર ભારતના કેટલાક બિઝનેસ અને કૉર્પોરેટ અધિકારીઓના વિઝા રદ કર્યા છે. અમેરિકાનો દાવો છે કે આ અધિકારીઓ ખતરનાક સિન્થેટિક ડ્રગ ફેન્ટાનીલની હેરફેરમાં સંડોવાયેલા હતા.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નશાકારક પદાર્થો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ આદેશ હેઠળ અમેરિકાએ ભારતીય કંપનીઓના અધિકારીઓના વિઝા રદ કરવાનું શરૂ કર્યું છે. ભારતમાં અમેરિકન એમ્બેસીએ પ્રેસ રીલીઝમાં જણાવ્યું, “અમેરિકન નાગરિકોને ખતરનાક ડ્રગ્સથી બચાવવા આ પગલું ભરવામાં આવ્યું છે. આવા અધિકારીઓ અને તેમના પરિવારો હવે અમેરિકાની મુસાફરી કરી શકશે નહીં.”
ભારત-અમેરિકા સંબંધો પર અસર
આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના બિઝનેસ અને રાજદ્વારી સંબંધો પર અસર પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું ભારતીય કંપનીઓ માટે અમેરિકામાં બિઝનેસ કરવાનું મુશ્કેલ બનાવી શકે છે. જોકે, ભારત સરકારે હજુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.