મધ્ય પ્રદેશના મહૂ ખાતે યોજાયેલા રણ સંવાદ 2025માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતની સુરક્ષા નીતિ અને ઓપરેશન સિંદૂર અંગે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, "જો તમે શાંતિ ઇચ્છો છો, તો યુદ્ધ માટે તૈયાર રહો." આ લેટિન કહેવતનો ઉલ્લેખ કરીને તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત શાંતિપ્રિય રાષ્ટ્ર છે, પરંતુ શાંતિવાદી નથી. ઓપરેશન સિંદૂરને આધુનિક યુદ્ધનું ઉદાહરણ ગણાવતા તેમણે જણાવ્યું કે આ ઓપરેશનમાંથી ઘણા પાઠ શીખવા મળ્યા છે, જેમાંથી અમુક પર અમલ થઈ ચૂક્યો છે, જ્યારે અન્ય પર હજુ કામ ચાલી રહ્યું છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
જનરલ ચૌહાણે ભારતની રક્ષા ક્ષમતાઓના ભવિષ્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું કે DRDOએ તાજેતરમાં QRSAM, VSHORADS અને 5-કિલોવોટ લેસર સિસ્ટમનું ઇન્ટિગ્રેટ પરીક્ષણ કર્યું છે. ભવિષ્યની સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે મલ્ટી-ડોમેન ઓપરેશન્સ જરૂરી છે, જેમાં ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, રિકોનિસન્સ, જળ, થલ, નભ, સમુદ્રની અંદર અને અવકાશમાં સંકલનની જરૂર પડશે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એડવાન્સ્ડ કમ્પ્યુટેશન, ડેટા એનાલિટિક્સ, બિગ ડેટા, લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM) અને ક્વોન્ટમ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો.
તેમણે ઉમેર્યું, "ભારત જેવા વિશાળ રાષ્ટ્ર માટે આવા પ્રોજેક્ટ્સમાં સમગ્ર દેશની ભાગીદારી જરૂરી છે. પરંતુ, હંમેશની જેમ, ભારતીયો આને ઓછામાંઓછા અને પોસાય તેવા ખર્ચે પૂર્ણ કરશે." રણ સંવાદ 2025માં ત્રણ સંયુક્ત સૈન્ય સિદ્ધાંતો—મલ્ટી-ડોમેન ઓપરેશન્સ, સ્પેશિયલ ફોર્સ ઓપરેશન્સ અને એરબોર્ન તથા હેલિબોર્ન ઓપરેશન્સ—જાહેર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ ઇવેન્ટ 26 અને 27 ઓગસ્ટે યોજાશે.