TikTokની ભારતમાં વાપસીની તૈયારી? ગુરુગ્રામ ઓફિસ માટે ભરતી શરૂ
TikTok Return: ચાર વર્ષ પહેલાં ભારતમાં બેન થયેલું શોર્ટ-વીડિયો એપ TikTok ફરીથી ચર્ચામાં છે. ByteDanceની માલિકીની આ એપે ગુરુગ્રામ ઓફિસ માટે નવી ભરતીઓની જાહેરાત કરી છે, જેનાથી સોશિયલ મીડિયામાં TikTokની ભારતમાં વાપસીની અટકળો શરૂ થઈ છે. પરંતુ શું ખરેખર TikTok ભારતમાં પાછું આવી રહ્યું છે? ચાલો, આ બાબતે વિગતે જાણીએ.
2020માં TikTok પર બેન
જૂન 2020માં ભારત સરકારે TikTok સહિત 58 ચીની એપ્સ પર રાષ્ટ્રીય સુરક્ષા અને યૂઝર્સની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બેન લગાવ્યો હતો. તે સમયે ભારતમાં TikTokના 20 કરોડથી વધુ યૂઝર્સ હતા, જે તેને વિશ્વના સૌથી મોટા માર્કેટમાંથી એક બનાવતું હતું. હાલમાં કેટલાક યૂઝર્સે TikTok ઇન્ડિયાની વેબસાઇટ એક્સેસ કરવાનો દાવો કર્યો છે, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે બેન હટાવવાનો કોઈ આદેશ જાહેર થયો નથી અને હાલ બેન સંપૂર્ણ રીતે લાગુ છે.
ગુરુગ્રામમાં નવી ભરતીઓ
બેન હોવા છતાં TikTokએ ગુરુગ્રામ ઓફિસ માટે લિન્ક્ડઇન પર બે નવા જોબની જાહેરાતો કરી છે. આ બંને પદો ‘ટ્રસ્ટ એન્ડ સેફ્ટી’ ટીમનો ભાગ છે, જે કન્ટેન્ટનું સંચાલન અને યૂઝર્સની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આ પદો નીચે મુજબ છે:
કન્ટેન્ટ મોડરેટર: આ જોબ માટે બંગાળી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે. આ રોલમાં TikTokના નિયમો અનુસાર વીડિયો ચેક કરવા અને હાનિકારક કન્ટેન્ટ દૂર કરવાનું કામ હશે.
વેલબીઇંગ લીડ: આ સિનિયર લેવલની પોસ્ટ છે, જેમાં કર્મચારીઓ માટે વેલનેસ પ્રોગ્રામ બનાવવા અને તેનો અમલ કરવાની જવાબદારી છે.
શું TikTok ખરેખર પાછું ફરશે?
ગુરુગ્રામમાં ભરતીઓ શરૂ થવાથી શું TikTok ભારતમાં ફરી એન્ટ્રી કરવા જઈ રહ્યું છે? હાલની સ્થિતિમાં આવું કહેવું ઉતાવળું થશે, કારણ કે સરકારે બેન હટાવ્યો નથી અને એપ ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી. જોકે, આ ભરતીઓ એ દર્શાવે છે કે ByteDance ભારતથી સંપૂર્ણ રીતે દૂર થઈ નથી. કંપની ભવિષ્યમાં ભારત સરકારના નિયમોનું પાલન કરીને વાપસીની તૈયારી કરી રહી હોય તેવું લાગે છે. TikTok ફરીથી ભારતમાં ધમાલ મચાવશે કે નહીં, તે તો સમય જ બતાવશે, પરંતુ આ ભરતીઓએ ચોક્કસપણે આશાનું નવું કિરણ જગાવ્યું છે.