બોલિવૂડના પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગનું 52 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. અહેવાલો અનુસાર, ઝુબીન સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે એક અકસ્માત સર્જાયો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધો. નોંધનીય છે કે, આજે તેઓ નોર્થઈસ્ટ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવાના હતા.
આસામના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અશોક સિંઘલે ઝુબીનના નિધન પર ગહેરો શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “ઝુબીન ગર્ગના સંગીતે પેઢીઓને આનંદ અને પ્રેરણા આપી. તેમના નિધનથી એક એવી ખોટ થઈ છે, જે ક્યારેય ભરી શકાય નહીં. આસામે પોતાનો એક પ્રિય પુત્ર ગુમાવ્યો. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”
1972માં મેઘાલયમાં જન્મેલા ઝુબીન બોરઠાકુરે 1990ના દાયકામાં પોતાનું સ્ટેજ નામ ઝુબીન ગર્ગ અપનાવ્યું. 1995માં મુંબઈ આવીને તેમણે પોતાનું પહેલું ઈન્ડીપોપ આલ્બમ ‘ચાંદની રાત’ રજૂ કર્યું. બોલિવૂડમાં તેમનું ‘યા અલી’ ગીત, જે ફિલ્મ ‘ગેંગસ્ટર’ (2006)નું હતું, ખૂબ લોકપ્રિય થયું. આ ઉપરાંત, તેમણે ‘દિલ સે’ (1998), ‘ફિઝા’ (2000), ‘ડોલી સજા કે રખના’ (1998) અને ‘કાંટે’ (2002) જેવી ફિલ્મો માટે યાદગાર ગીતો ગાયા.