Demat Account Volatility: ભારતીય શેરબજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલે રોકાણકારોના ઉત્સાહ પર અસર કરી છે. 2025ના પ્રથમ નવ મહિનામાં નવા ડીમેટ ખાતાઓની સંખ્યામાં 40%નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી માત્ર 2.18 કરોડ નવા ડીમેટ ખાતા ખોલાયા, જ્યારે ગયા વર્ષે આ જ ગાળામાં 3.61 કરોડ ખાતા ખોલાયા હતા. આનો અર્થ એ થયો કે આ વર્ષે 1.43 કરોડ ઓછા ખાતા ખોલાયા.
ડિપોઝિટરીના આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર 2025ના અંતે કુલ ડીમેટ ખાતાઓની સંખ્યા 20.70 કરોડ પર પહોંચી છે, જે 2021માં 6.90 કરોડ હતી. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) પાસે 4.19 કરોડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) પાસે 16.52 કરોડ ખાતા નોંધાયા છે.
આ વર્ષે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોટા કરેક્શન જોવા મળ્યા, જેના કારણે રિટેલ રોકાણકારોનું શેરબજાર પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું છે. સપ્ટેમ્બરમાં 24.60 લાખ નવા ખાતા ખોલાયા, જે મે 2025 પછીનું સૌથી નીચું સ્તર છે. જુલાઈમાં 29.80 લાખ અને ઓગસ્ટમાં 24.90 લાખ ખાતા ખોલાયા હતા. આ વર્ષે માસિક સરેરાશ 24.20 લાખ નવા ખાતા ઉમેરાયા, જે ગયા વર્ષે 40 લાખ હતા.
એક બજાર વિશ્લેષકે જણાવ્યું કે, “વર્ષની શરૂઆતમાં જાહેર ભરણાં (IPOs)માં રોકાણકારોને અપેક્ષિત વળતર ન મળ્યું, જેની અસર નવા ડીમેટ ખાતાઓ પર પણ જોવા મળી.” ભારતીય ઈક્વિટી બજારની કામગીરી આ વર્ષે વૈશ્વિક બજારોની તુલનામાં નબળી રહી છે, જેના કારણે નવા રોકાણકારો બજારમાં પ્રવેશવાથી દૂર રહ્યા છે.