ઓક્ટોબર 2025માં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
Mutual Funds: ઓક્ટોબર 2025માં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એક તરફ જ્યાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહમાં 19 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યાં બીજી તરફ ડેટ ફંડોમાં જબરદસ્ત વાપસી થઈ છે. જોકે, રાહતની વાત એ છે કે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) થકી થતું રોકાણ સ્થિર રહ્યું છે. આ બધાની વચ્ચે, મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) વધીને 79.87 લાખ કરોડની નવી સપાટીએ પહોંચી છે.
આંકડા મુજબ, ઓક્ટોબરમાં ઈક્વિટી ફંડોમાં 24,691 કરોડનું રોકાણ આવ્યું, જે સપ્ટેમ્બરના 30,422 કરોડની તુલનામાં 19 ટકા ઓછું છે. બજાર નિષ્ણાતો માને છે કે પ્રાઈમરી માર્કેટમાં આવેલા મોટા આઈપીઓ (IPO) અને સેકન્ડરી માર્કેટની તેજીમાં રોકાણકારોએ સીધું રોકાણ કરવાનું પસંદ કર્યું હોઈ શકે છે. વળી, કેટલાક ફંડોની એનએવી (NAV)માં અસ્થિરતાને કારણે પણ રોકાણકારો સાવચેત બન્યા છે. તેમ છતાં, SIP પર રોકાણકારોનો ભરોસો અકબંધ છે, અને તે થકી રોકાણ 1 ટકા વધીને 29,529 કરોડ નોંધાયું છે.
ઈક્વિટી કેટેગરીની અંદર, ફ્લેક્સીકેપ ફંડો રોકાણકારોની પહેલી પસંદ રહ્યા હતા, જેમાં 8,928 કરોડનું રોકાણ આવ્યું હતું, જે સપ્ટેમ્બર કરતાં 27 ટકા વધારે છે. જોકે, મિડ-કેપ ફંડોમાં રોકાણ 25 ટકા અને સ્મોલ-કેપ ફંડોમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ સમયગાળા દરમિયાન ડિવિડન્ડ યીલ્ડ ફંડો અને ઈએલએસએસ (ELSS) ફંડોમાંથી રોકાણકારોએ અનુક્રમે 178 કરોડ અને 665 કરોડ પાછા ખેંચી લીધા હતા.
આ મહિનાની સૌથી મોટી વાત ડેટ ફંડોની વાપસી રહી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જંગી ઉપાડ બાદ, ઓક્ટોબરમાં ડેટ ફંડોમાં 1.59 લાખ કરોડનો મજબૂત પોઝિટિવ રોકાણ પ્રવાહ જોવા મળ્યો. આમાં સૌથી મોટો હિસ્સો લિક્વિડ ફંડોનો રહ્યો, જેમાં 89,375 કરોડ આવ્યા, અને ઓવરનાઈટ ફંડોમાં 24,050 કરોડનું રોકાણ થયું.
અન્ય કેટેગરીમાં પણ સારો પ્રતિસાદ મળ્યો. હાઈબ્રિડ ફંડોમાં રોકાણ 51 ટકા વધીને 14,156 કરોડ થયું. આ ઉપરાંત, સોના પ્રત્યે રોકાણકારોનો રસ વધ્યો હોય તેમ, ગોલ્ડ ઈટીએફ (Gold ETF) માં 7,743 કરોડનું નોંધપાત્ર રોકાણ આવ્યું છે. એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) ના આ આંકડા દર્શાવે છે કે રોકાણકારો બજારની સ્થિતિ મુજબ ટૂંકાગાળામાં સાવચેતી રાખી રહ્યા છે, પરંતુ લાંબાગાળાના રોકાણ માટે SIP નો માર્ગ જાળવી રાખ્યો છે.