New era of investment: ભારતના રોકાણકારોના વલણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સમયે બેંક ડિપોઝીટ અને ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી) રોકાણનું સૌથી પોપ્યુલર માધ્યમ હતું, પરંતુ હવે લોકો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા ઉચ્ચ-વળતર આપતા વિકલ્પો તરફ આકર્ષાઈ રહ્યા છે. રેટિંગ એજન્સી ક્રિસિલના તાજેતરના અહેવાલ મુજબ, બેંક ડિપોઝીટમાં ઘટાડો થઈ રહ્યો છે, જે બેંકિંગ સિસ્ટમ માટે ચિંતાનો વિષય બની શકે છે.
ક્રિસિલના રિપોર્ટ અનુસાર, ઘરેલુ ક્ષેત્રનો બેંક ડિપોઝીટમાં હિસ્સો માર્ચ 2020માં 64% હતો, જે ઘટીને માર્ચ 2025માં 60% થઈ ગયો છે. આ ઘટાડો દર્શાવે છે કે રોકાણકારો હવે પરંપરાગત ડિપોઝીટને બદલે કેપિટલ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ફિક્સ્ડ ડિપોઝીટ અને ચાલુ તથા બચત ખાતા (કાસા)ના બેલેન્સમાં ઘટાડો નોંધાયો છે.
આ બદલાવ બેંકો માટે મધ્યમથી લાંબા ગાળે પડકારો લાવી શકે છે. ક્રિસિલના મતે, ડિપોઝીટની સ્થિરતા ઘટવાથી બેંકોને રોકડની તંગીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, બેંકોને ડિપોઝીટરોને આકર્ષવા માટે ઊંચા વ્યાજ દર ઓફર કરવા પડી શકે છે, જેનાથી તેમનો ઉધાર ખર્ચ વધશે.
નાણા મંત્રાલયે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને બેંકોને કાસા ડિપોઝીટ વધારવા તેમજ MSME અને કૃષિ ક્ષેત્રને ધિરાણ વધારવા સૂચના આપી છે. આ પગલાંથી બેંકોને અર્થતંત્રના મહત્વના ક્ષેત્રોને ટેકો આપવામાં મદદ મળશે.