Parliament Winter Session: ભારતીય લોકશાહીના મંદિર ગણાતા સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્ર અનેક રીતે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બની રહેવાનું છે. લગભગ 19 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં ફક્ત 15 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જે તેને તાજેતરના ઇતિહાસના સૌથી ટૂંકા સત્રોમાંનું એક બનાવે છે. સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે વિપક્ષને સ્પષ્ટ અને સચોટ સંદેશ આપ્યો હતો. તેમણે તાજેતરની ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતાં વિપક્ષને પરાજયની નિરાશામાંથી બહાર નીકળીને સકારાત્મક ભૂમિકા ભજવવા માટે અપીલ કરી હતી.
વડાપ્રધાને જણાવ્યું કે સંસદ ગૃહ એ જીતના અહંકાર કે હારની હતાશા વ્યક્ત કરવાનું મેદાન નથી, પરંતુ રાષ્ટ્રનીતિ પર ગંભીર ચર્ચાઓ માટેનું પવિત્ર સ્થળ છે. તેમણે કહ્યું કે દેશની જનતાએ નકારાત્મકતાને નકારી દીધી છે અને તેઓ ગૃહમાં પણ સકારાત્મક અને રચનાત્મક ચર્ચાઓ જોવા માંગે છે.
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે સૂત્રોચ્ચાર અને હોબાળા માટે આખો દેશ પડ્યો છે, પરંતુ સંસદની અંદર દેશના વિકાસ માટે નીતિ-વિષયક ચર્ચા થવી જોઈએ. તેમણે વિપક્ષને સલાહ આપતા કહ્યું કે, "તમારી રણનીતિ બદલો અને દેશ પ્રત્યેની તમારી ફરજ નિભાવો. જો જરૂર પડશે તો હું પોતે વિપક્ષને વધુ સારું પ્રદર્શન કરવા માટે સૂચનો આપવા તૈયાર છું."
આ સત્રમાં વિપક્ષ આંતરિક સુરક્ષા અને લેબર કોડ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યું છે, જ્યારે સરકાર 'વિકસિત ભારત'ના સંકલ્પને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે વડાપ્રધાનની આ સલાહની વિપક્ષ પર કેટલી અસર થાય છે અને આ ટૂંકું સત્ર કેટલું ફળદાયી નીવડે છે.