90 ના દાયકામાં, શ્રીધર વેમ્બુએ તેમના પરિવાર અને મિત્રો સાથે મળીને 'AdventNet' નામની કંપની શરૂ કરી, જે પાછળથી Zoho Corp બની.
Zoho Founder: ભારતમાં હાલ એક સ્વદેશી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ 'Arattai' ની ખૂબ ચર્ચા થઈ રહી છે. WhatsApp જેવા જ દમદાર ફીચર્સ સાથે આવેલી આ એપ લોન્ચ થતાં જ લોકોમાં એટલી પોપ્યુલર થઈ કે જોતજોતામાં એપ સ્ટોર પર ટોપ પર પહોંચી ગઈ. પણ આ એપ પાછળ જે વ્યક્તિનો હાથ છે, તેમની કહાણી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.
અમે વાત કરી રહ્યા છીએ Zoho Corporationના ફાઉન્ડર અને અબજોપતિ એન્ટરપ્રેન્યોર શ્રીધર વેમ્બુની. જેમની નેટવર્થ આજે આશરે $5.8 બિલિયન (લગભગ 8850 કરોડ રૂપિયા) છે. આટલી મોટી સફળતા છતાં, તેઓ ભપકાદાર શહેરી જીવનને બદલે ગામડામાં એકદમ સિમ્પલ અને સાદું જીવન જીવી રહ્યા છે. આજે પણ તેમને ગામના રસ્તાઓ પર સાઇકલ ચલાવતા જોઈ શકાય છે.
IITથી અમેરિકા સુધીની સફર
શ્રીધર વેમ્બુની સફર દરેક યુવાન માટે એક મોટી પ્રેરણા છે. તેમણે 1989માં IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Techની ડિગ્રી મેળવી. ત્યારબાદ, તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી PhD પૂર્ણ કર્યું. અભ્યાસ પૂરો થતાં જ તેમને અમેરિકાની જાણીતી કંપની Qualcommમાં સિસ્ટમ ડિઝાઇન એન્જિનિયર તરીકે સારી નોકરી મળી. જોકે, બીજા માટે કામ કરવા કરતાં તેમને પોતાનું કંઈક મોટું કરવું હતું.
આ રીતે થયો Zohoનો જન્મ
90 ના દાયકામાં, શ્રીધર વેમ્બુએ તેમના પરિવાર અને મિત્રો સાથે મળીને 'AdventNet' નામની કંપની શરૂ કરી, જે પાછળથી Zoho Corp બની. આજે Zoho ભારતની સૌથી મોટી અને સફળ સોફ્ટવેર કંપનીઓમાંની એક છે, જે દુનિયાભરના લાખો ગ્રાહકોને પોતાની સર્વિસ પૂરી પાડે છે. કંપનીની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2023-24 માં Zohoએ લગભગ 8,703 કરોડનું કોન્સોલિડેટેડ રેવન્યુ નોંધાવ્યું હતું અને કંપનીનું વેલ્યુએશન 1.04 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
અબજોપતિ, છતાં ગામડા સાથે જોડાયેલા
Forbesની 2024 ની 'ઇન્ડિયા ટોપ-100 બિલેનિયર્સ'ની લિસ્ટમાં શ્રીધર વેમ્બુ 51મા સ્થાને હતા. તેમની સંપત્તિ સતત વધી રહી છે; 2018માં તેમની નેટવર્થ $1.6 બિલિયન હતી, જે 2024 માં $5 બિલિયનને પાર કરી ગઈ. આટલી સંપત્તિ હોવા છતાં, તેમણે મોટા શહેરોની જગ્યાએ તમિલનાડુના તેનકાસી અને તંજાવુર જેવા ગામડાઓને પોતાનું ઘર બનાવ્યું. તેઓ માને છે કે સાચું જીવન અને ટેલેન્ટ નાના શહેરો અને ગામડાઓમાં છે.
IPO લાવવાની કોઈ ઉતાવળ નથી
Arattai એપની સફળતા પછી જ્યારે Zohoના IPO (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ)ને લઈને ચર્ચાઓ શરૂ થઈ, ત્યારે શ્રીધર વેમ્બુએ સ્પષ્ટ કહ્યું કે કંપનીને શેરબજારમાં લિસ્ટ થવાની કોઈ ઉતાવળ નથી. તેમનું માનવું છે કે Zohoના ઘણા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ કોઈપણ પ્રકારના બાહ્ય દબાણ વિના જ શક્ય બન્યા છે, અને આ જ કંપનીની સાચી તાકાત છે.