દિવાળી વેકેશન: અમદાવાદથી બહાર જવું બન્યું મોંઘું, આસમાને પહોંચ્યા હવાઈ ભાડા, ટ્રેનો પણ હાઉસફૂલ
Diwali Fare Hike: દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને લોકો વેકેશનના મૂડમાં આવી ગયા છે. જો તમે પણ છેલ્લી ઘડીએ અમદાવાદથી બહાર ફરવા જવાનો કે વતન જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે તમારા બજેટને ફરી એકવાર તપાસવાની જરૂર છે. કારણ કે, અમદાવાદથી દેશના મોટાભાગના શહેરો, ખાસ કરીને ઉત્તર ભારત તરફ જવા માટે ફ્લાઇટના ભાડા આસમાને પહોંચી ગયા છે અને ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી.
સામાન્ય દિવસોમાં અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર જે અંદાજે 4,500 આસપાસ હોય છે, તે દિવાળીના તહેવારોને કારણે વધીને 25,000ની નજીક પહોંચી ગયું છે. આગામી 18 ઓક્ટોબરની આસપાસના દિવસોમાં અમદાવાદ-દિલ્હીનું મિનિમમ ભાડું 11,300થી શરૂ થઈને 24,649 સુધી પહોંચી ગયું છે. માત્ર દિલ્હી જ નહીં, અન્ય શહેરોની સ્થિતિ પણ કંઈક આવી જ છે.
અહીં અમદાવાદથી દિવાળી સમયના અંદાજિત હવાઈ ભાડા પર એક નજર નાખો:
* દિલ્હી: 11,300 - 24,649
* અયોધ્યા: 18,000
* વારાણસી: 22,000
* દુબઈ: 22,299 - 50,859
* શ્રીનગર: 12,468
* દેહરાદૂન: 21,524
* કોલકાતા: 17,849 - 21,394
* બેંગાલુરુ: 8,407 - 11,832
* કોચી: 13,622 - 22,925
* ચેન્નાઈ: 13,282 - 18,952
* મુંબઈ: 4,705 - 8,805
* પૂણે: 4,549 - 7,989
ટ્રેનોમાં રિગ્રેટના પાટિયા, લાંબા વેઇટિંગ લિસ્ટ
જો તમે ફ્લાઇટના ઊંચા ભાડા જોઈને ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા હો, તો ત્યાં પણ નિરાશા મળી શકે છે. અમદાવાદથી ઉત્તર ભારત અને પૂર્વ ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનોમાં 18થી 28 ઓક્ટોબર સુધીનો રૂમ જેવી સ્થિતિ છે. ઘણી ટ્રેનોમાં તો રેલવેએ રિગ્રેટ બતાવવાનું શરૂ કરી દીધું છે, જેનો અર્થ છે કે હવે વેઇટિંગ લિસ્ટની ટિકિટ પણ બુક નહીં થાય.
જાણો કઈ ટ્રેનમાં છે કેટલું વેઇટિંગ લિસ્ટ
દિલ્હી
* આશ્રમ એક્સપ્રેસ: રિગ્રેટ
* રાજધાની એક્સપ્રેસ: 225
* યોગા એક્સપ્રેસ: રિગ્રેટ
વારાણસી
* ગોરખપુર એક્સપ્રેસ: રિગ્રેટ
* સાબરમતી એક્સપ્રેસ: 131
અયોધ્યા
* કામાખ્યા એક્સપ્રેસ: રિગ્રેટ
* સાબરમતી એક્સપ્રેસ: 27
હરિદ્વાર
* યોગા એક્સપ્રેસ: 124
કોલકાતા
* હાવડા એક્સપ્રેસ: 199
પટના
* ટ્રેનોમાં રિગ્રેટની સ્થિતિ છે.
ટ્રાવેલ એજન્ટો અને એરલાઈન્સની ભૂમિકા
એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું કે, "ઘણી એરલાઈન્સ અને મોટા ટ્રાવેલ એજન્ટો તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં ટિકિટો બ્લોક કરી દે છે. જેમ જેમ ડિમાન્ડ વધે છે, તેમ-તેમ આ ટિકિટો ઊંચા ભાવે વેચવામાં આવે છે. જોકે, ગયા વર્ષે તેમનો આ દાવ ઊંધો પડ્યો હતો અને છેલ્લી ઘડીએ દિવાળીના દિવસે ડિસ્કાઉન્ટમાં ટિકિટો વેચવી પડી હતી."
ટૂંકમાં, જો તમે દિવાળી વેકેશનમાં મુસાફરીનું આયોજન કરી રહ્યા છો, તો ઊંચા ભાડા અને ટિકિટની અછત માટે તૈયાર રહો. સમયસર બુકિંગ કરાવનારા લોકો અત્યારે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન કરનારાઓ માટે આ દિવાળી ખિસ્સા પર ભારે પડી શકે છે.