ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા પહેલા બચો આ 5 ગંભીર ભૂલોથી, નહીં તો ભરવો પડશે ભારે દંડ!
Income Tax Return: તમે તમારું રિટર્ન ઓનલાઈન ફાઇલ કરી રહ્યા હોવ કે પોસ્ટ દ્વારા, ટેક્સ ફાઇલિંગ ઘણીવાર છેલ્લી ઘડીની પ્રક્રિયા હોય છે જેના કારણે મહત્વપૂર્ણ માહિતી છટકી શકે છે અથવા ભૂલો થઈ શકે છે.
લોન્ગ-ટર્મ કેપિટલ ગેન, ડિવિડન્ડ જેવી કેટલીક આવક ટેક્સ-ફ્રી હોય છે, પરંતુ તેની જાણ ITRમાં કરવી જરૂરી છે.
Income Tax Return: ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનો સમય આવે એટલે ઘણા લોકો ઉતાવળમાં ફોર્મ ભરવા લાગે છે. પરંતુ આ ઉતાવળમાં થતી નાની-નાની ભૂલો તમને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ અને ભારે દંડના સંકટમાં મૂકી શકે છે. જો તમે પણ ITR ફાઈલ કરવાની તૈયારીમાં છો, તો થોભો અને આ 5 સામાન્ય ભૂલો વિશે જાણો, જેને ટાળીને તમે નાણાકીય નુકસાનથી બચી શકો છો.
1. તમામ આવકના સોર્સની માહિતી ન આપવી
ઘણા લોકો પોતાની તમામ આવકના સ્ત્રોત યોગ્ય રીતે રિપોર્ટ કરતા નથી. ખાસ કરીને બેંકના સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળેલું વ્યાજ ઘણીવાર ભૂલી જવાય છે. આ આવક તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સેબલ હોય છે. બેંક FDના વ્યાજ પર 10% TDS કપાય છે, પરંતુ જો તમારું ટેક્સ સ્લેબ વધારે હોય, તો બાકીનો ટેક્સ પણ ભરવો પડશે. આવી આવક છુપાવવાથી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવી શકે છે.
જો તમે તાજેતરમાં નોકરી બદલી હોય, તો તમારી જૂની નોકરીની આવક પણ ITRમાં ઉમેરવી જરૂરી છે. આ ઉપરાંત, જો તમારા બાળકોના નામે રોકાણ હોય, તો તેમની આવક માતાપિતામાંથી વધુ આવક ધરાવતા વ્યક્તિના ટેક્સ સ્લેબ સાથે જોડાય છે અને તે પ્રમાણે ટેક્સ ચૂકવવો પડે છે.
2. ઘરની મિલકતની આવક પર ટેક્સ ન ચૂકવવો
HDFC બેંકના જણાવ્યા અનુસાર, ઘણા લોકો માને છે કે જો તેમની પાસે એકથી વધુ મકાન હોય અને તેમાંથી ભાડું ન મળતું હોય, તો ટેક્સ ચૂકવવાની જરૂર નથી. આ ખોટું છે. તમે જે મકાનમાં રહો છો તેના પર ટેક્સ નથી લાગતો, પરંતુ બાકીના ખાલી મકાનો અથવા જેમાંથી ભાડું નથી મળતું, તેના પર પણ ટેક્સ ચૂકવવો પડે છે.
3. ખોટું પોસ્ટલ અથવા ઈમેઈલ એડ્રેસ ભરવું
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમામ મહત્વની નોટિફિકેશન ઈમેઈલ અથવા પોસ્ટ દ્વારા મોકલે છે. તેથી, તમારું સાચું અને અપડેટેડ ઈમેઈલ અને પોસ્ટલ એડ્રેસ ભરવું ખૂબ જરૂરી છે. નાની ભૂલ પણ મહત્વની માહિતી ન મળવાનું કારણ બની શકે છે.
4. ટેક્સ-ફ્રી આવકની જાણ ન કરવી
લોન્ગ-ટર્મ કેપિટલ ગેન, ડિવિડન્ડ જેવી કેટલીક આવક ટેક્સ-ફ્રી હોય છે, પરંતુ તેની જાણ ITRમાં કરવી જરૂરી છે. કારણ કે બ્રોકરેજ હાઉસ અથવા રોકાણ કંપનીઓ આવી આવકની માહિતી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપે છે. આવી આવક છુપાવવી ખોટું ગણાય છે.
5. ફોર્મ ભર્યા પછી ચેક ન કરવું
પછી ભલે તમે ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરતા હો, ભૂલો થઈ શકે છે. તેથી, ફોર્મ ભર્યા પછી તેને ધ્યાનથી ચેક કરો. જો કોઈ CA અથવા ટેક્સ કન્સલ્ટન્ટ તમારા વતી ફોર્મ ભરે છે, તો પણ તમારે જાતે ફોર્મની તમામ માહિતી ચેક કરવી જોઈએ જેથી કોઈ ભૂલ ન રહે.
આ ભૂલો ટાળીને બચો નાણાકીય ઝંઝટથી
ITR ફાઈલ કરવું એ માત્ર ઔપચારિકતા નથી, તે તમારી નાણાકીય જવાબદારી છે. ઉપર જણાવેલી ભૂલો ટાળીને તમે નોટિસ અને દંડના જોખમથી બચી શકો છો. ફોર્મ ભરતા પહેલા તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરો, જરૂરી હોય તો ટેક્સ પ્રોફેશનલની મદદ લો અને સમયસર ITR ફાઈલ કરો.