ક્રેડિટ કાર્ડથી બીજાના બિલ ચૂકવીને રિવોર્ડ પોઈન્ટ્સ કમાતા પહેલાં ચેતજો! IT વિભાગે નોટિસોનો ધમધમાટ શરૂ કર્યો | Moneycontrol Gujarati
Get App

ક્રેડિટ કાર્ડથી બીજાના બિલ ચૂકવીને રિવોર્ડ પોઈન્ટ્સ કમાતા પહેલાં ચેતજો! IT વિભાગે નોટિસોનો ધમધમાટ શરૂ કર્યો

IT Notice: પોતાના ક્રેડિટ કાર્ડથી અન્યના ખર્ચ ચૂકવીને રિવોર્ડ પોઈન્ટ્સ કમાવવાની ટેવ મોંઘી પડી શકે છે. આવકવેરા વિભાગે આવા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને નોટિસો ફટકારવામાં આવી રહી છે. જાણો શું છે નિયમો અને કેવી રીતે બચશો.

અપડેટેડ 11:03:38 AM Nov 30, 2025 પર
Story continues below Advertisement
IT વિભાગની કડક કાર્યવાહી: થર્ડ પાર્ટી ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરનારાઓ સાવધાન!

IT Notice: આવકવેરા વિભાગ એ એવા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે જેઓ પોતાને મળતા રિવોર્ડ પોઈન્ટ્સ અથવા કેશબેક મેળવવા માટે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બીજાના ખર્ચાઓ ચૂકવે છે. આવા 'થર્ડ પાર્ટી પેમેન્ટ્સ' કરનારાઓને અત્યારે ધડાધડ નોટિસો મોકલવામાં આવી રહી છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં, વ્યક્તિની ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલી ખર્ચની રકમ તેમની જાહેર કરેલી આવક કરતાં ઘણી વધારે જોવા મળે છે, જેના કારણે આવકવેરા વિભાગ સક્રિય બન્યો છે.

આવક અને ખર્ચ વચ્ચે વિસંગતતા: નોટિસનું મૂળ કારણ

જે લોકો પોતાની આવકવેરા રિટર્નમાં ક્રેડિટ કાર્ડના ઊંચા વ્યવહારો દર્શાવતા નથી, તેમના માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવકવેરા વિભાગ આવા ન દર્શાવેલા ખર્ચને 'જાહેર ન કરેલી આવક' તરીકે ગણી રહ્યું છે. ખાસ કરીને, જે લોકો ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને ખોટી રીતે રિવોર્ડ પોઈન્ટ્સ કે કેશબેક કમાવાનો પ્રયાસ કરે છે, તેઓ આ નોટિસોનો ભોગ બની રહ્યા છે.

IT વિભાગની મજબૂત મોનિટરિંગ સિસ્ટમ: કેવી રીતે પકડાય છે?

આજકાલ આવકવેરા વિભાગ પાસે 'એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ (AIS)' જેવી અત્યંત મજબૂત મોનિટરિંગ સિસ્ટમ્સ છે. આ સિસ્ટમ્સ કોઈ પણ મોટા નાણાંકીય વ્યવહારોને ક્ષણભરમાં પકડી પાડે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા દરેક મોટા પેમેન્ટની વિગતો IT વિભાગ પાસે આપોઆપ પહોંચી જાય છે. આ જ કારણ છે કે, આવકવેરા વિભાગ આવા પેમેન્ટની પેટર્નને ખૂબ જ ઝડપથી ઓળખી શકે છે. ઘણા લોકો કોઈ હાઉસ રેન્ટ એલાવન્સ (HRA) ક્લેમ કરવા માટે પણ ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવતા હોય છે, જેની વિગતો પણ આ સિસ્ટમ દ્વારા પકડાઈ જાય છે.


દંડ અને કલમો: જાણવું જરૂરી શું છે?

આવકવેરા અધિકારીઓ આવા જાહેર ન કરેલા ખર્ચને ગંભીરતાથી લે છે અને તેની સામે ટેક્સ ડિમાન્ડ ઊભી કરે છે.

કલમ 270A: આવકવેરા ધારાની કલમ 270A હેઠળ 'જાહેર ન કરેલી આવક' માટે 50% સુધીનો દંડ થઈ શકે છે.

ગંભીર ગુનો: જો આ મામલો વધુ ગંભીર જણાય, તો આવકવેરા ખાતું 200% સુધીનો દંડ પણ કરી શકે છે.

રીવોર્ડ પોઈન્ટ્સ જપ્તી: ક્રેડિટ કાર્ડથી બીજા માટે કરેલા પેમેન્ટ થકી કમાયેલા રીવોર્ડ પોઈન્ટ્સ કે તેના નાણાં પણ આવકવેરા ખાતું જપ્ત કરી શકે છે.

કલમ 69/69B હેઠળ કાર્યવાહી

રિવોર્ડ પોઈન્ટ્સ કમાવવા માટે નકલી ભાડાની ચૂકવણીઓ કરવી, એટલે કે મિત્રો કે સગાં-સંબંધીઓને ભાડું ચૂકવીને માત્ર HRA ક્લેમ કરવાનો પ્રયાસ કરવો, આવા કેસમાં કરદાતાઓ ફસાઈ જાય છે. આવા કિસ્સામાં આવકવેરા વિભાગ કલમ 69B (જાહેર ન કરેલો ખર્ચ) અથવા કલમ 69 (જાહેર ન કરેલી આવક) કરદાતા સામે લાગુ કરે છે.

રીવોર્ડ્સ અને ટેક્સની કાયદાકીય જોગવાઈઓ

જો કોઈ વ્યક્તિ અન્ય માટે પેમેન્ટ કરે અને તેની વાસ્તવિક આવક કરતાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય, તો તેને 'જાહેર ન કરેલી આવક' ગણવામાં આવે છે. આકારણી કરતી વખતે આ ખર્ચ પર ટેક્સ ડિમાન્ડ ઊભી થાય છે. જો આવકવેરા અધિકારીને લાગે કે કોઈ ખર્ચ ખોટો બતાવવામાં આવ્યો છે (જેમ કે નકલી ભાડું), તો આવકવેરામાંથી HRAનો ખર્ચ બાદ મળતો અટકી જાય છે અને તેના પર ટેક્સનો બોજો વધી જાય છે.

એક ખાસ કિસ્સામાં, જો કોઈ કંપનીના ડિરેક્ટર કે કન્સલ્ટન્ટ કંપનીના ખર્ચ વ્યક્તિગત કાર્ડથી ચૂકવે છે અને પછી રિમ્બર્સમેન્ટ લે છે, અને તેમાં રિવોર્ડ કે કેશબેકની રકમ મોટી હોય તો આવકવેરા ધારાની કલમ 28(v) હેઠળ તેને બિઝનેસ ઇનકમ તરીકે ગણી શકાય છે.

વાર્ષિક આવક કરતાં ક્રેડિટ કાર્ડનો વધુ ખર્ચ: મુશ્કેલીનો સંકેત

જો કોઈ વ્યક્તિ ઇન્કમટેક્સ રિટર્નમાં પોતાની વાર્ષિક આવક આશરે 5થી 6 લાખ દર્શાવે છે, પરંતુ તેણે ક્રેડિટ કાર્ડથી કરેલો ખર્ચ 10 થી 15 લાખ જેવો થાય, તો આવા કરદાતાઓને સીધી કલમ 142(1) અને કલમ 148A હેઠળ નોટિસ મળી શકે છે.

સામાન્ય રીતે, રીવોર્ડ પોઈન્ટ્સ કે કેશબેક પર સીધો ટેક્સ લગાડવાની કોઈ જોગવાઈ નથી અને તેને વેરામુક્ત ડિસ્કાઉન્ટ ગણવામાં આવે છે. પરંતુ જો કેશબેકની રકમ સીધી બેન્ક ખાતામાં જમા થાય અને તેની રકમ મોટી હોય, તો તેના પર ટેક્સની જવાબદારી આવી શકે છે. તેવી જ રીતે, બીજા કોઈ વ્યક્તિ માટે કરેલા ખર્ચ પર મળેલા રિવોર્ડ પોઈન્ટ્સ પર પણ ટેક્સ લાગી શકે છે, ખાસ કરીને જો તે માત્ર ખોટા વ્યવહારો દર્શાવવા માટે કરવામાં આવ્યું હોય.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે પારદર્શિતા રાખવી અને તમામ મોટા વ્યવહારોને આવકવેરા રિટર્નમાં યોગ્ય રીતે દર્શાવવા અત્યંત મહત્વપૂર્ણ છે. ફક્ત રિવોર્ડ પોઈન્ટ્સ મેળવવા માટેના આડકતરા પ્રયાસો તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

આ પણ વાંચો - 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી માટે રાહ જોવા પડશે વધુ એકાદ વર્ષ: IMFનો નવો અંદાજ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 30, 2025 11:03 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.