કર્મચારીઓ માટે મોટી રાહત: હવે નોકરી છોડ્યાના ફક્ત 2 દિવસમાં મળશે Full & Final સેટલમેન્ટ
New Labor Code: નવા લેબર કોડના અમલ સાથે કર્મચારીઓને મળશે મોટી રાહત! નોકરી છોડ્યા કે છૂટા કરાયા પછી હવે ફક્ત 2 કાર્યકારી દિવસોમાં Full & Final સેટલમેન્ટ ફરજિયાત બનશે. જાણો આ નવા કાયદાની સંપૂર્ણ વિગતો અને તેના ફાયદા.
કંપનીઓ માટે પણ જવાબદારી વધી: સરકારના આ નવા નિયમથી કંપનીઓને તેમની HR અને પે-રોલ પ્રક્રિયાને ઝડપી અને વધુ પારદર્શક બનાવવી પડશે.
New Labor Code: નોકરી બદલતી વખતે કે કોઈ કારણોસર નોકરી છોડતી વખતે કર્મચારીઓ માટે સૌથી મોટી ચિંતા હોય છે Full & Final (FnF) સેટલમેન્ટ. મહિનાઓ સુધી રાહ જોવી, HR વિભાગને વારંવાર ઈમેલ કરવા અને બેંક ખાતામાં પૈસા ક્યારે આવશે તેની અનિશ્ચિતતા ઘણા કર્મચારીઓને પરેશાન કરતી હતી. પરંતુ હવે આ બધી સમસ્યાઓનો અંત આવશે. કેન્દ્ર સરકારે નવા લેબર કોડ દ્વારા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી કર્મચારીઓને સૌથી મોટી રાહત મળી છે. હવે કંપનીઓએ કર્મચારીના છેલ્લા કામકાજના દિવસ પછી ફક્ત 2 કાર્યકારી દિવસોમાં જ તેમનું Full & Final સેટલમેન્ટ કરવું પડશે.
નિયમ શું છે?
નવા વેજ કોડ મુજબ, દરેક પ્રકારના કર્મચારીઓને તેમનું Full & Final સેટલમેન્ટ 2 કાર્યકારી દિવસોની અંદર ચુકવવું અધિકૃત રીતે ફરજિયાત બનશે. વેજ કોડ 2019ની કલમ 17(2)માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કર્મચારીના છેલ્લા કામકાજના દિવસના પછીના 2 કાર્યકારી દિવસોમાં તેમની સંપૂર્ણ બાકી બકાયા રકમ ચુકવવી જરૂરી છે. આમાં તમારો બાકી પગાર, બચેલી રજાઓના પૈસા (લીવ એન્કેશમેન્ટ) અને અન્ય દેય રકમનો સમાવેશ થાય છે. જોકે, ગ્રેચ્યુઇટી જેવી અમુક રકમો માટે હજી પણ અલગ નિયમો હેઠળ નિર્ધારિત સમય લાગી શકે છે.
પહેલા કંપનીઓ કરતી હતી વિલંબ
અગાઉ, કંપનીઓ પાસે Full & Final સેટલમેન્ટ કરવા માટે 30 દિવસ સુધીનો સમય હતો. ઘણીવાર આ પ્રક્રિયા વધુ લાંબી ચાલતી હતી, કારણ કે FnFમાં લીવ એન્કેશમેન્ટ, બાકી બોનસ અને ગ્રેચ્યુઇટી જેવા અનેક બાકી ચૂકવણાનો સમાવેશ થતો હતો. કંપનીઓ ઘણીવાર એક જ વારમાં તમામ ચૂકવણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરતી હતી, જેના કારણે કર્મચારીઓને અઠવાડિયા સુધી રાહ જોવી પડતી. આનાથી તેમની આર્થિક સ્થિતિ પર પણ અસર થતી હતી.
નવા લેબર કોડે અસમાનતા દૂર કરી
નિષ્ણાંતો સમજાવે કે નવો શ્રમ કાયદો તમામ કર્મચારીઓને સમાન રીતે લાગુ પડે છે. પછી ભલે કર્મચારી સ્વેચ્છાએ રાજીનામું આપે, તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે, બરતરફ કરવામાં આવે કે રીટ્રેન્ચમેન્ટ થાય દરેક સ્થિતિમાં 48 કલાક (2 કાર્યકારી દિવસો)ની અંદર Full & Final સેટલમેન્ટ ફરજિયાત છે. આ પહેલાના નિયમોથી ઘણો મોટો ફેરફાર છે, જ્યારે કંપનીઓ પાસે 1 મહિનો સુધીનો સમય રહેતો હતો.
કર્મચારીઓ માટે મુખ્ય ફાયદા: આ નવા નિયમથી કર્મચારીઓને નીચે મુજબના મુખ્ય ફાયદા મળશે
લાંબી રાહનો અંત: હવે Full & Final સેટલમેન્ટ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં.
આર્થિક સુરક્ષા: ટૂંકા સમયમાં પૈસા મળવાથી આર્થિક અસુરક્ષામાં ઘટાડો થશે.
નોકરી બદલવામાં સરળતા: એક નોકરી છોડીને બીજી નોકરીમાં જોડાતી વખતે નાણાકીય મુશ્કેલીઓ નહીં નડે.
કંપનીઓ પર નિયંત્રણ: કંપનીઓ હવે આડેધડ રીતે પગાર કે અન્ય બાકી રકમ રોકી શકશે નહીં.
કંપનીઓ માટે પણ જવાબદારી વધી: સરકારના આ નવા નિયમથી કંપનીઓને તેમની HR અને પે-રોલ પ્રક્રિયાને ઝડપી અને વધુ પારદર્શક બનાવવી પડશે. નિયમનું પાલન ન કરવા પર કંપનીઓ સામે કાર્યવાહી પણ શક્ય છે, જેનાથી આ નિયમ વધુ કડક બન્યો છે. આ કાયદો કર્મચારીઓની સુરક્ષા અને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે એક મહત્વપૂર્ણ કદમ છે.