Dearness Allowance: રાજ્ય સરકારે ગઈ કાલે વિવિધ વિભાગોમાં વર્ગ-4ના કર્મચારીઓને 7 હજારની મર્યાદામાં એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે દિવાળી પહેલાં મોટી ભેટ જાહેર કરી છે. રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે 1 જુલાઈ, 2025થી લાગુ થશે. આ નિર્ણયથી રાજ્યના 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને લાભ થશે.
આ નિર્ણય હેઠળ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ માટે 5%નો વધારો જાહેર થયો છે. આ વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનર્સને આવરી લેશે.
વધુમાં 1 જુલાઈ, 2025થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીની તફાવતની રકમ (એરિયર્સ) એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે. આ એરિયર્સની ચુકવણી માટે રાજ્ય સરકાર રૂ. 483.24 કરોડ ખર્ચશે, જ્યારે વાર્ષિક ધોરણે પગાર અને પેન્શન માટે રૂ. 1932.92 કરોડનો વધારાનો ખર્ચ થશે.