FASTag વાર્ષિક પાસ એક વન-ટાઈમ પેમેન્ટ સ્કીમ છે, જેની વેલિડિટી એક વર્ષની છે.
FASTag annual pass: 15 ઓગસ્ટ, 2025થી દેશભરમાં FASTag વાર્ષિક પાસની સુવિધા શરૂ થઈ ગઈ છે. આ એક સાથે પ્રીપેડ પ્લાન ખાસ પ્રાઇવેટ કાર, જીપ અને વેન માટે બનાવાયેલો છે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેના ટોલ પ્લાઝા પર એક વર્ષ અથવા 200 યાત્રાઓ (જે પહેલું પૂર્ણ થાય) સુધી નિયમિત ટોલ ચૂકવણીની ઝંઝટથી મુક્તિ આપે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા શરૂ કરાયેલી આ સુવિધા માટે તમારો FASTag એક્ટિવ હોવો અને વાહન સાથે લિંક્ડ હોવો જરૂરી છે.
FASTag વાર્ષિક પાસ ક્યાંથી ખરીદવો?
FASTag વાર્ષિક પાસ ખરીદવા માટે તમારે રાજમાર્ગ યાત્રા એપનો ઉપયોગ કરવો પડશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. વૈકલ્પિક રીતે, તમે NHAI અથવા સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટનો પણ ઉપયોગ કરી શકો છો.
એક્ટિવેશનની સરળ પ્રક્રિયા
FASTag વાર્ષિક પાસ એક વન-ટાઈમ પેમેન્ટ સ્કીમ છે, જેની વેલિડિટી એક વર્ષની છે. આ પાસનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને વારંવાર રિચાર્જ કરવાની જરૂર નથી. નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે પાસ ખરીદી અને એક્ટિવેટ કરી શકો છો:
એલિજીબ્લિટી તપાસો: ખાતરી કરો કે તમારું FASTag એક્ટિવ છે, વાહનના ફ્રન્ટ વિન્ડશિલ્ડ પર યોગ્ય રીતે લગાવેલું છે અને બ્લેકલિસ્ટેડ નથી.
ઓફિશિયલ પ્લેટફોર્મની મુલાકાત લો: રાજમાર્ગ યાત્રા એપ અથવા NHAI/MoRTHની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
વિગતો ભરો: એપ અથવા વેબસાઈટ પર લૉગિન કરીને તમારું FASTag ID અને વાહનનું રજિસ્ટ્રેશન નંબર (VRN) દાખલ કરો.
પેમેન્ટ: 3,000નું એક સાથે પેમેન્ટ UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા કરો.
એક્ટિવેશન: પેમેન્ટના 2 કલાકની અંદર તમારો FASTag વાર્ષિક પાસ એક્ટિવેટ થઈ જશે. આની પુષ્ટિ SMS દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
આ શરતો અને નિયમો જાણો
એક વાહન માટે માન્ય: આ પાસ ફક્ત તે જ વાહન માટે માન્ય છે, જેની સાથે FASTag લિંક્ડ છે. તેને બીજા વાહનમાં ટ્રાન્સફર કરી શકાય નહીં.
નોન-રિફંડેબલ: 3,000નું પેમેન્ટ એક સાથે અને નોન-રિફંડેબલ છે. પાસનો ઉપયોગ થાય કે ન થાય, રિફંડ મળશે નહીં.
લિમિટેડ કવરેજ: આ પાસ ફક્ત NHAI અને MoRTH દ્વારા સંચાલિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેના ટોલ પ્લાઝા પર જ માન્ય છે. રાજ્ય ધોરીમાર્ગો, શહેરી રસ્તાઓ કે ખાનગી ટોલ રોડ પર આ લાગુ નથી.
ઓટો-રિન્યુઅલ નહીં: પાસની વેલિડિટી પૂરી થયા બાદ તે આપમેળે રિન્યુ થતો નથી. નવી વેલિડિટી માટે ફરીથી પાસ ખરીદવો પડશે.
SMS નોટિફિકેશન: પાસના લેન-દેન અને ઉપયોગની માહિતી SMS દ્વારા મોકલવામાં આવશે, જેથી તમે તમારા બેલેન્સ અને ઉપયોગની જાણકારી રાખી શકો.
શા માટે પસંદ કરવો FASTag વાર્ષિક પાસ?
આ પાસ ખાસ કરીને નિયમિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરનારાઓ માટે ફાયદાકારક છે. એક સાથે ચૂકવણીથી ટોલ પેમેન્ટની ઝંઝટ ખતમ થાય છે, અને ડિજિટલ પેમેન્ટની સુવિધા સાથે મુસાફરી વધુ સરળ બને છે.