ICICI Bank's new rule: પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી ICICI બેન્કે તેના સેવિંગ્સ એકાઉન્ટ માટે મિનિમમ બેલેન્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. બેન્કે ગ્રાહકોની ફરિયાદો અને સોશિયલ મીડિયા પર મળેલા ફીડબેકને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. બેન્કે મેટ્રો અને શહેરી વિસ્તારોમાં નવા ખાતા ખોલાવતા ગ્રાહકો માટે 50,000 લઘુત્તમ બેલેન્સની શરત નાબૂદ કરી છે. હવે આ ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સ 15,000 નક્કી કરવામાં આવ્યું છે.
આ ફેરફારો ગત સપ્તાહે બેન્ક દ્વારા જાહેર કરાયેલા 50,000, 25,000 અને 10,000ના પ્રસ્તાવિત બેલેન્સમાંથી ઘટાડો કરીને લાગુ કરવામાં આવ્યા છે.
ICICI બેન્કે સ્પષ્ટ કર્યું છે કે આ નવા નિયમો સેલરી એકાઉન્ટ, વરિષ્ઠ નાગરિક, પેન્શનધારક, બેસિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ, જન ધન એકાઉન્ટ અને ખાસ જરૂરિયાતવાળા ખાતાઓ પર લાગુ નહીં થાય. આ ઉપરાંત, 60 વર્ષથી ઓછી ઉંમરના પેન્શનધારકો અને 1,200 ચયનિત સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ મિનિમમ બેલેન્સની શરતમાંથી મુક્તિ આપવામાં આવશે.
ગ્રાહકોના ફીડબેકનો પ્રભાવ
આ નિર્ણય ગ્રાહકો અને ઉદ્યોગના ફીડબેક બાદ લેવાયો છે. અગાઉ બેન્કે મિનિમમ બેલેન્સમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી હતી, જેના પર સોશિયલ મીડિયા પર ગ્રાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. બેન્કે જણાવ્યું કે આ ફેરફારો ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. આ નવા નિયમો ગ્રાહકોને રાહત આપશે અને બેન્કિંગને વધુ સરળ બનાવશે.