આજથી લાગુ થઈ રહ્યા છે આ 5 મોટા ફેરફારો, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
1 મે, 2025થી ભારતમાં કેટલાક મહત્વના નાણાકીય ફેરફારો લાગૂ થઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને રેલવે ટિકિટ બુકિંગ અને એફડીના વ્યાજદરમાં ઘટાડા સુધી, આ ફેરફારોની જાણકારી રાખવી જરૂરી છે.
1 મે, 2025થી ભારતમાં કેટલાક મહત્વના નાણાકીય ફેરફારો લાગૂ થઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.
1 મે, 2025થી ભારતમાં કેટલાક મહત્વના નાણાકીય ફેરફારો લાગૂ થઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને રેલવે ટિકિટ બુકિંગ અને એફડીના વ્યાજદરમાં ઘટાડા સુધી, આ ફેરફારોની જાણકારી રાખવી જરૂરી છે. આ સાથે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ મે મહિના માટે બેન્કોની રજાઓની યાદી પણ જાહેર કરી છે, જેની અસર તમારી બેન્કિંગ યોજનાઓ પર પડી શકે છે.
ATMમાંથી પૈસા ઉપાડવા પર ચાર્જમાં વધારો
મેટ્રો શહેરોમાં હવે દર મહિને માત્ર 3 વખત જ ATMમાંથી મફત ટ્રાન્ઝેક્શન કરી શકાશે, જ્યારે નોન-મેટ્રો શહેરોમાં આ મર્યાદા 5 વખત નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા સુધીનું ચાર્જ લાગી શકે છે. આ ઉપરાંત, બેલેન્સ ચેક કરવાનો ચાર્જ પણ 6 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવામાં આવ્યો છે.
રેલવે ટિકિટ બુકિંગમાં નવો નિયમ
રેલવેમાં હવે વેઈટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચ માટે જ માન્ય રહેશે. એટલે કે, વેઈટિંગ ટિકિટ સાથે તમે સ્લીપર કોચમાં મુસાફરી નહીં કરી શકો. જો તમે મુસાફરી દરમિયાન જનરલ કોચને બદલે સ્લીપર કોચમાં જોવા મળશો, તો ટીટી તમને જનરલ કોચમાં મોકલી શકે છે અથવા દંડ લગાવી શકે છે.
FDના વ્યાજદરમાં ઘટાડો
RBI દ્વારા રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યા બાદ, બેન્કોએ એફડી પરના વ્યાજદરમાં ઘટાડો શરૂ કર્યો છે. મોટાભાગની બેન્કોએ હાઇ વ્યાજદર આપતી એફડી યોજનાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારની સીધી અસર એફડી દ્વારા બચત કરનારા લોકો પર પડશે.
RRBનું વિલીનીકરણ
દેશભરની 43 ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો (RRB)નું વિલીનીકરણ કરીને તેમને 28 સુધી સીમિત કરવામાં આવશે. આ અંતર્ગત એક રાજ્યમાં માત્ર એક જ RRB કાર્યરત રહેશે. આ નિયમ 1 મે, 2025થી લાગૂ થશે.
બેન્કની રજાઓ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મે મહિના માટે બેન્કની રજાઓની યાદી જાહેર કરી છે. બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારે બેન્કો બંધ રહેશે. આ ઉપરાંત, કેટલાક રાજ્યોમાં સ્થાનિક રજાઓ પણ ઉજવવામાં આવશે, જેમાં બુદ્ધ પૂર્ણિમા અને મહારાણા પ્રતાપ જયંતિ જેવા તહેવારોનો સમાવેશ થાય છે. આથી બેન્કમાં જતા પહેલાં રજાઓની માહિતી તપાસી લેવી જરૂરી છે.