Train Luggage Rules: ભારતીય રેલવેના યાત્રીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનમાં નિયમિત મર્યાદાથી વધુ સામાન લઈ જવા પર કોઈ દંડ કે એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નહીં આવે. આ નિવેદનથી એવી અફવાઓનો અંત આવ્યો છે કે રેલવે હવે એરપોર્ટની જેમ સામાનની મર્યાદા નક્કી કરીને વધારાનો ચાર્જ વસૂલશે.
કેટલાક દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડળ સહિતના મોટા સ્ટેશનો પર વજન તોલવાની ઇલેક્ટ્રોનિક મશીનો લગાવવામાં આવશે. આ મશીનો દ્વારા યાત્રીઓના સામાનનું વજન ચકાસીને નિયત મર્યાદાથી વધુ સામાન હશે તો ટ્રેનની ક્લાસ (જનરલ, સ્લીપર, એસી) પ્રમાણે ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, પ્રયાગરાજ જંક્શન, કાનપુર સેન્ટ્રલ, ટુંડલા, અલીગઢ જેવા સ્ટેશનો પર પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલા અને ઉતરતી વખતે સામાનનું વજન ચકાસવાની વાત પણ સામે આવી હતી.
અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?
અગાઉ એવી પણ ચર્ચા હતી કે રેલવે એરપોર્ટની જેમ સામાનની પ્રી-બુકિંગની સુવિધા શરૂ કરશે. જો યાત્રીઓ નિયત મર્યાદાથી વધુ સામાન લઈ જાય અને પ્રી-બુકિંગ ન કરે, તો તેમણે બુકિંગ ચાર્જના 6 ગણો દંડ ભરવો પડશે. આ ઉપરાંત, સામાનનું કદ વધુ હશે તો પણ, ભલે તેનું વજન ઓછું હોય, વધુ જગ્યા રોકવા બદલ દંડ લેવામાં આવશે. પરંતુ હવે રેલ મંત્રીની સ્પષ્ટતાથી આ તમામ અફવાઓ ખોટી સાબિત થઈ છે.
આ નિવેદનથી લાખો રેલ યાત્રીઓને મોટી રાહત મળી છે, ખાસ કરીને એવા લોકોને જેઓ લાંબી મુસાફરી દરમિયાન વધુ સામાન લઈ જાય છે. રેલવેના આ નિર્ણયથી યાત્રીઓનો ખર્ચ બચશે અને મુસાફરી વધુ સરળ બનશે.