ચેક પર શબ્દોમાં રકમ લખ્યા બાદ ‘Only' અથવા ગુજરાતીમાં 'પુરા' લખવાનો મુખ્ય હેતુ છે ચેકની સુરક્ષા.
ચેક દ્વારા નાણાકીય લેવડ-દેવડ આજે પણ ઘણા લોકો માટે એક સામાન્ય પ્રક્રિયા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના જમાનામાં પણ ચેકનો ઉપયોગ ખૂબ જ થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચેક પર રકમ શબ્દોમાં લખ્યા બાદ 'Only' શા માટે લખવામાં આવે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ઘણા લોકોને ખબર નથી. આજે આપણે આ રહસ્યનો ખુલાસો કરીશું અને જાણીશું કે 'Only' લખવું ફરજિયાત છે કે નહીં, અને તેની પાછળનું અસલી કારણ શું છે.
'Only' લખવું ફરજિયાત છે?
ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું ચેક પર રકમ લખ્યા બાદ 'Only' ન લખવાથી ચેક બાઉન્સ થઈ જશે? તો આ પ્રશ્નનો જવાબ છે - ના. બેંકિંગ નિયમો અનુસાર, ચેક પર 'Only' લખવું ફરજિયાત નથી. જો તમે આ શબ્દ લખવાનું ભૂલી જાઓ, તો પણ બેંક ચેકને સ્વીકારી લેશે, અને તે બાઉન્સ થશે નહીં. પરંતુ, આ શબ્દ ન લખવાથી તમારા ચેકની સુરક્ષા પર અસર પડી શકે છે.
‘Only' લખવાનું અસલી કારણ
ચેક પર શબ્દોમાં રકમ લખ્યા બાદ ‘Only' અથવા ગુજરાતીમાં 'પુરા' લખવાનો મુખ્ય હેતુ છે ચેકની સુરક્ષા. આ શબ્દ લખવાથી ચેકનો દુરુપયોગ થવાની શક્યતા ઘટી જાય છે. જ્યારે તમે રકમ શબ્દોમાં લખો છો, જેમ કે "પચાસ હજાર", અને તેની પાછળ 'Only' લખો છો, તો તેનો અર્થ થાય છે કે આ રકમ ફક્ત અને ફક્ત આટલી જ છે. આનાથી ચેક લેનાર વ્યક્તિ રકમમાં ફેરફાર કરીને વધારે પૈસા ઉપાડી શકે નહીં.
ઉદાહરણ તરીકે, જો તમે ચેક પર "પચાસ હજાર" લખ્યું અને 'Only' ન લખ્યું, તો કોઈ ચાલાક વ્યક્તિ તેની આગળ "એક લાખ" જેવું ઉમેરી શકે છે. પરંતુ જો 'Only' લખેલું હશે, તો આવી છેતરપિંડીની શક્યતા લગભગ નહીંવત્ થઈ જાય. આ રીતે, 'Only' લખવું એ ચેકની સિક્યોરિટી માટે એક સાવચેતીનું પગલું છે.
નંબરોમાં રકમ લખતી વખતે '/-' નું મહત્વ
શબ્દોમાં રકમ લખવા ઉપરાંત, જ્યારે તમે ચેક પર નંબરોમાં રકમ લખો છો, ત્યારે તેની પાછળ '/-' લખવું પણ જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમે 50,000 રૂપિયા લખો છો, તો તેને "50,000/-" તરીકે લખવું. આનાથી રકમની આગળ કે પાછળ વધારાના આંકડા ઉમેરવાની જગ્યા રહેતી નથી, જે ચેકની સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે.
શું 'Only' ન લખવાથી ખરેખર કોઈ નુકસાન થાય?
જો તમે 'Only' લખવાનું ભૂલી જાઓ, તો બેંક તો ચેક સ્વીકારી લેશે, પરંતુ તમારે છેતરપિંડીનો ભય રહે છે. આજના સમયમાં નાણાકીય છેતરપિંડીના કેસ વધી રહ્યા છે, તેથી ચેક લખતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. 'Only' લખવું એ એક સરળ પણ અસરકારક રીત છે જે તમારા પૈસાને સુરક્ષિત રાખે છે.
ચેક પર 'Only' લખવું એ બેંકિંગ નિયમોની ફરજિયાત જરૂરિયાત નથી, પરંતુ તે તમારા નાણાંની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ નાની સાવચેતી તમને નાણાકીય છેતરપિંડીથી બચાવી શકે છે. તેથી, આગલી વખતે જ્યારે તમે ચેક લખો, ત્યારે 'Only' અને '/-' લખવાનું ભૂલશો નહીં. આ નાની બાબતો તમારા પૈસાને સુરક્ષિત રાખવામાં મોટો ફરક લાવી શકે છે.