YouTube Earnings Music Industry: યુટ્યુબ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે એક સોનાની ખાણ સાબિત થઈ રહ્યું છે. જે લોકો ગીતો બનાવે છે, ગાય છે અથવા મ્યુઝિક પબ્લિશિંગ સાથે જોડાયેલા છે, તેમના પર યુટ્યુબ રીતસર મહેરબાન થયું છે. યુટ્યુબે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેણે છેલ્લા 1 વર્ષમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને 8 અબજ ડોલરથી વધુની ચુકવણી કરી છે. આ આંકડો જુલાઈ 2024થી જુલાઈ 2025 વચ્ચેનો છે અને અત્યાર સુધી યુટ્યુબ દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું વાર્ષિક પેમેન્ટ છે.
આ આંકડો એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. યુટ્યુબે વર્ષ 2022માં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને 6 અબજ ડોલર અને 2021માં 4 અબજ ડોલર ચૂકવ્યા હતા. આ વખતનો 8 અબજ ડોલરનો રેકોર્ડ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે યુટ્યુબનું 'સબ્સ્ક્રિપ્શન મોડલ' અને 'જાહેરાત મોડલ' બંને સુપરહિટ સાબિત થયા છે. યુટ્યુબના જણાવ્યા અનુસાર, આ બંને પદ્ધતિઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે, જેનો સીધો ફાયદો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને આપવામાં આવી રહ્યો છે.
આ જંગી કમાણી પાછળ યુઝર્સનો મોટો હાથ છે. મળતી માહિતી મુજબ, યુટ્યુબ પાસે વિશ્વભરમાં 12.5 કરોડ (125 મિલિયન)થી વધુ મ્યુઝિક અને પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ છે, જેમાં ટ્રાયલ યુઝર્સની સંખ્યા પણ સામેલ છે. આટલું જ નહીં, દર મહિને 2 અબજ (2 બિલિયન)થી વધુ લોકો યુટ્યુબ પર મ્યુઝિક વીડિયો જુએ છે. આ વિશાળ યુઝરબેઝને કારણે યુટ્યુબને જાહેરાતો અને સબ્સ્ક્રિપ્શનથી બમ્પર કમાણી થાય છે, જે તે ઇન્ડસ્ટ્રી સાથે વહેંચે છે.
જોકે, ઘણા લોકો એવું માને છે કે આ 8 અબજ ડોલર સીધા ગાયકો કે કલાકારોના ખિસ્સામાં જાય છે, પરંતુ એવું નથી. યુટ્યુબ દ્વારા થતી આ ચુકવણી સીધી કલાકારને નથી મળતી. આ પૈસાનો એક મોટો હિસ્સો રેકોર્ડ લેબલ્સ જેમ કે ભારતમાં T-Series, Saregama, પબ્લિશર્સ, ગીતકારો અને મ્યુઝિક સાથે જોડાયેલા અન્ય કૉપિરાઇટ ધારકોને વહેંચવામાં આવે છે.
યુટ્યુબનું પ્લેટફોર્મ હાલમાં 100થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે અને તે 80થી વધુ ભાષાઓને સપોર્ટ કરે છે. કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેણે છેલ્લા 4 વર્ષમાં ક્રિએટર્સ, એક્ટર્સ અને મીડિયા કંપનીઓને કુલ 100 અબજ ડોલરથી વધુનું પેમેન્ટ કર્યું છે. જોકે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને પેમેન્ટ કરનાર યુટ્યુબ એકલું પ્લેટફોર્મ નથી. Spotify જેવા અન્ય પ્લેટફોર્મ પણ આર્ટિસ્ટને મોટી ચુકવણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, Spotifyએ 2023માં 9 અબજ ડોલરનું પેમેન્ટ કર્યું હતું.
સ્પષ્ટ છે કે યુટ્યુબ પ્રીમિયમ અને યુટ્યુબ મ્યુઝિક જેમાં જાહેરાત વિના ગીતો સાંભળી શકાય છે એના દ્વારા યુટ્યુબે કમાણીનો એક નવો અને સફળ રસ્તો શોધી કાઢ્યો છે, જેનો સીધો ફાયદો મ્યુઝિક જગતને થઈ રહ્યો છે.