BUDGET 2023: કૃષિ ક્ષેત્ર માટે રાસાયણિક-મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાથી લઈને એગ્રી-ટેક સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડવા અને ખેડૂતોને ડિજિટલ સર્વિસ પહોંચાડવા માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે “કિસાન ડ્રોન”ના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે કહ્યું કે ખેડૂત ડ્રોન પાકની આકારણી, જમીનના રેકોર્ડનું ડિજિટલાઇઝેશન, પાક પર જંતુનાશકો અને પોષક તત્વોનો છંટકાવનું કામ કરશે. આ યોજના માટે સરકારે બજેટમાં 60 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
હાઇટેક સર્વિસની ડિલિવરી માટે PPP મોડમાં આવશે યોજના
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “સાર્વજનિક ક્ષેત્રની સંશોધન સંસ્થાઓ, ખાનગી એગ્રીટેક કંપનીઓ અને એગ્રી-વેલ્યુ ચેઇનના હિતધારકો સાથે મળીને ખેડૂતોને ડિજિટલ અને હાઇ-ટેક સર્વિસ પહોંચાડવા માટે PPP મોડમાં એક યોજના શરૂ કરવામાં આવશે.” રાસાયણિક મુક્ત ખેતી અંગે નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે સમગ્ર દેશમાં રસાયણ મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજનાના પ્રથમ તબક્કામાં ગંગા નદીના 5 કિલોમીટર પહોળા કોરિડોરમાં આવતા ખેડૂતોની જમીનો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
ફાર્મ સેક્ટરનું બજેટ વધીને રૂ. 1.38 લાખ કરોડ થયું છે
ગયા વર્ષે, પરંપરાગત કૃષિ વિકાસ યોજના માટે રૂપિયા 450 કરોડ (2021-22 માટે અંદાજપત્ર)ની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, સુધારેલા અંદાજો દર્શાવે છે કે વર્ષ દરમિયાન માત્ર રૂ. 100 કરોડનો ખર્ચ થયો હતો. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે નાણાકીય વર્ષ 2022-23 માટે આ યોજનામાં કેટલી ફાળવણી કરવામાં આવી છે, કારણ કે તેને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ મર્જ કરવામાં આવી છે. આ યોજના ઉત્પાદકતા વધારવા અને ખેડૂતોને વળતર આપવા માટે લાવવામાં આવી છે. કૃષિ સંશોધન, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્રનું બજેટ વધારીને રૂ. 1.38 ટ્રિલિયન (લાખ કરોડ) કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22 માટે કૃષિ ક્ષેત્રનું બજેટ 1.35 લાખ કરોડ રૂપિયા હતું.