Gujarat Budget: ગુજરાત વિધાનસભાનું બજેટ (Gujarat Budget) સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયુ છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. આજે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કરશે. અંદાજે સવા ત્રણ લાખ કરોડનું બજેટનું કદ રહેશે. નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીથી લઈ 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમ્યાન 26 બેઠકો યોજાશે.
ગુજરાત બજેટ અંગે ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંદાજપત્ર સત્રના બીજા દિવસે શુક્રવારે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કરનાર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં ગુજરાતનો આગામી પચ્ચીસ વર્ષનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ રોડ મેપમાં તમામ વર્ગોના કલ્યાણની અનેક વિધ યોજનાઓ, યુવા, કિસાનો, ગરીબ, આદિજાતિ, દલિત અને ઓબીસીના ઉત્કર્ષ માટેની નવી યોજનાઓનો સમાવેશ થાય છે.
નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ બજેટ રજૂ કરતા પહેલા પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, “પીએમ મોદીએ વિકસિત ભારત 2047 નો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ સીએમ ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠશ વિકસિત ગુજરાત 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડમેપના આધારે ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને પ્રાધાન્ય આપીને જોગવાઇઓ કરવામાં આવી છે. ખાસ કરીને આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇવાળું બજેટ હશે.”
કાળી બ્રીફકેશ પર સુંદર ચિત્ર
ગુજરાત બજેટ: આ વખતે ગુજરાતનું બજેટ કાળા રંગની બ્રીફકેશમાં લાવવામાં આવ્યું છે. જેની પર સૌ ગુજરાતીઓની નજર છે. આ કાળા રંગની બ્રીફકેશ પર આદિવાસી શૈલીમાં સુંદર ચિત્ર પણ પાડવામાં આવ્યું છે.