ભારતીય સ્માર્ટફોન બજારમાં એક નવો પ્લેયર સામેલ થયો છે. લેપટોપ નિર્માતા કંપની એસરે પોતાનો પ્રથમ સ્માર્ટફોન એસર સુપર ZX 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને 10,000 રૂપિયાથી ઓછી કિંમતે બજારમાં ઉતારવામાં આવ્યો છે. આ ફોનને ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર લિસ્ટ કરવામાં આવ્યો છે, જ્યાં તેના માટે એક ડેડિકેટેડ પેજ બનાવવામાં આવ્યું છે. આ ફોન ખાસ કરીને ભારતીય યૂઝર્સને ધ્યાનમાં રાખીને બજેટ સેગમેન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
એસરે આ સ્માર્ટફોનની કિંમત હજુ જાહેર કરી નથી. આ ફોનનું પ્રથમ વેચાણ 25 એપ્રિલે એમેઝોન પર થશે, જ્યાં તેની કિંમત જાહેર કરવામાં આવશે. જોકે, કંપનીએ એમેઝોન પર ફોનની કિંમત X,X90 રૂપિયા તરીકે દર્શાવી છે, એટલે કે આ ફોન 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ થશે.
આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 5G પ્રોસેસર મળશે. ફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવશે, જેમાં 64MPનો પ્રાઈમરી કેમેરા હશે. આ ઉપરાંત, ફોનના બેકમાં 2MPના બે અન્ય કેમેરા પણ હશે. કંપનીનો દાવો છે કે આ સેગમેન્ટમાં Sony સેન્સરવાળો આ પ્રથમ ફોન હશે. ફોનમાં 5,000mAhની શક્તિશાળી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ ફીચરનો સપોર્ટ મળશે.
એસરનો આ સ્માર્ટફોન 10,000 રૂપિયાની કિંમત રેન્જમાં આવતા રેડમી, રિયલમી, ઈન્ફિનિક્સ, લાવા અને સેમસંગ જેવા બ્રાન્ડ્સના સસ્તા સ્માર્ટફોનને કડક ટક્કર આપી શકે છે. કંપનીનો દાવો છે કે આ કિંમત રેન્જમાં આવતા અન્ય તમામ સ્માર્ટફોનની સરખામણીએ આ ફોનમાં વધુ સારા ફીચર્સ મળશે.