કેન્દ્ર સરકાર 10,000 ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે ટેન્ડર જાહેર કરવાની તૈયારીમાં છે. CNBC-બજારએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે ભારે ઉદ્યોગ મંત્રાલય મે 2025માં પીએમ ઇ-ડ્રાઇવ યોજના હેઠળ બસોની ખરીદી માટે ટેન્ડર જાહેર કરશે. આ સમાચારની અસર JBM ઓટો અને ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરો પર જોવા મળી, જેમાં 16 એપ્રિલે 10 ટકા સુધીનો ઉછાળો નોંધાયો.
સરકારી માલિકીની એનર્જી એફિશિયન્સી સર્વિસેઝ લિમિટેડની પેટાકંપની કન્વર્જન્સ એનર્જી સર્વિસેઝ લિમિટેડ (CESL) નવ શહેરો માટે ઇન્ટ્રાસિટી ઇ-બસ ઓપરેટરોની પસંદગી માટે ટેન્ડર જાહેર કરશે. આ શહેરોમાં બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, પુણે, મુંબઈ, સુરત, અમદાવાદ, નવી દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.
માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે લગભગ રુપિયા 3,000 કરોડની સબસિડી આપી શકે છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે પ્રતિ ઇલેક્ટ્રિક બસ માટે મહત્તમ રુપિયા 35 લાખની સબસિડી નક્કી કરી છે.
પીએમ ઇ-ડ્રાઇવ યોજના સપ્ટેમ્બર 2024માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી અમલીકરણ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના અને ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસ માટે રુપિયા 10,900 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના 1 ઓક્ટોબર 2024થી 31 માર્ચ 2026 સુધી ચાલશે. યોજના હેઠળ રુપિયા 4,391 કરોડની સબસિડી સાથે 14,028 ઇલેક્ટ્રિક બસોને સમર્થન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.