ઘણા મોટા ડેવલપર્સ જેમ કે Emaar Properties, DAMAC Properties અને Ellington Propertiesએ ક્રિપ્ટો પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે.
દુબઈ આજે ડિજિટલ ફાઈનાન્સનું ગ્લોબલ હબ બની રહ્યું છે, જ્યાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ફ્લાઈટ ટિકિટ બુકિંગથી લઈને પ્રોપર્ટી ખરીદી સુધી ઝડપથી વધી રહ્યો છે. સંયુક્ત અરબ અમીરાત (UAE) ની ટેક્સ-ફ્રી નીતિઓ અને રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણના કારણે દુબઈ ક્રિપ્ટોકરન્સીનું કેન્દ્ર બની રહ્યું છે. નવા સમાચારો અનુસાર, દુબઈની અગ્રણી એરલાઈન્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરે ક્રિપ્ટોકરન્સીને અપનાવીને ડિજિટલ અર્થતંત્રમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે.
એમિરેટ્સ એરલાઈન્સનો ક્રિપ્ટો સાથે મોટી ડીલ
9 જુલાઈ 2025ના રોજ એમિરેટ્સ એરલાઈન્સે Crypto.com સાથે એક મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા. આ સોદાના ભાગરૂપે 2026થી ગ્રાહકો બિટકોઈન, ઈથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સી દ્વારા ફ્લાઈટ ટિકિટ ખરીદી શકશે. આ કરાર શેખ અહમદ બિન સઈદ અલ મકતૂમની હાજરીમાં સંપન્ન થયો હતો. એમિરેટ્સના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અદનાન કાઝિમે જણાવ્યું કે આ પગલું યુવા અને ટેક-સેવી ગ્રાહકોને આકર્ષવા અને પેમેન્ટની આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે લેવામાં આવ્યું છે.
રિયલ એસ્ટેટમાં ક્રિપ્ટોનો ઉપયોગ
જુલાઈ 2025માં દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ (DLD) એ Crypto.com સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યો, જેના દ્વારા રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શનમાં બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ થશે. આનાથી પ્રોપર્ટી ખરીદવા, વેચવા અને રેકોર્ડ કરવાની પ્રક્રિયા વધુ સુરક્ષિત અને પારદર્શી બનશે. આ કરાર દુબઈ રિયલ એસ્ટેટ સ્ટ્રેટેજી 2033નો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શનને 1 ટ્રિલિયન AED (આશરે 272 અબજ ડોલર) સુધી પહોંચાડવાનો છે.
આ ઉપરાંત, ઘણા મોટા ડેવલપર્સ જેમ કે Emaar Properties, DAMAC Properties અને Ellington Propertiesએ ક્રિપ્ટો પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. આનાથી ગ્લોબલ રોકાણકારો માટે દુબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ વધુ આકર્ષક બન્યું છે. ક્રિપ્ટો દ્વારા ટ્રાન્ઝેક્શન ઝડપી અને ઓછા ખર્ચે થઈ શકે છે, જેનાથી બેંકિંગની પરંપરાગત અડચણો દૂર થાય છે.
દુબઈમાં ક્રિપ્ટોકરન્સીની લોકપ્રિયતાનું કારણ
ટેક્સ-ફ્રી નીતિ: યુએઈમાં ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન, માઈનિંગ કે સ્ટેકિંગ પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ નથી, જે રોકાણકારો માટે ફાયદાકારક છે.
બ્લોકચેનને પ્રોત્સાહન: દુબઈ સ્માર્ટ સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને બ્લોકચેન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપે છે.
ગ્લોબલ રીચ: ક્રિપ્ટો દ્વારા વિશ્વભરના રોકાણકારો બેંકિંગ અડચણો વગર યુએઈના અર્થતંત્રમાં ભાગ લઈ શકે છે.
નિયમનકારી ફ્રેમવર્ક: દુબઈની Virtual Assets Regulatory Authority (VARA) ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત અને નિયમિત બનાવે છે.
દુબઈમાં ઉપયોગમાં લેવાતી ક્રિપ્ટોકરન્સી
દુબઈમાં બિટકોઈન (BTC), ઈથેરિયમ (ETH), ટેથર (USDT) અને યુએસડી કોઈન (USDC) જેવી ક્રિપ્ટોકરન્સીનો વ્યાપક ઉપયોગ થાય છે. આ ઉપરાંત દુબઈએ પોતાની ક્રિપ્ટોકરન્સી DubaiCoin (DBIX) પણ લોન્ચ કરી છે, જે રોજિંદા ટ્રાન્ઝેક્શન માટે ડિઝાઈન કરવામાં આવી છે.
દુબઈનું ભવિષ્યનો પ્લાન
દુબઈની સરકાર અને ખાનગી કંપનીઓ ક્રિપ્ટોકરન્સીને રોજિંદા જીવનમાં સામેલ કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આગામી યોજનાઓમાં નીચેનો સમાવેશ થાય છે, સરકારી ફીનું ક્રિપ્ટોમાં ચુકવણી, પ્રોપર્ટી ટોકનાઈઝેશનમાં પ્રોપર્ટીને નાના ડિજિટલ ટોકનમાં વિભાજિત કરી વેચાણ. તો બ્લોકચેન આધારિત પ્રોજેક્ટ્સમાં સંપૂર્ણ ડિજિટલ ઓનરશિપ મોડેલ સાથે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ. ગ્લોબલ રોકાણકારોને આકર્ષવું એટલે કે ક્રિપ્ટો-રિચ રિજનમાંથી વધુ રોકાણકારોને આકર્ષવા.