IndiGo Share Price: ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશનના શેરધારકો માટે 8 ડિસેમ્બરનો દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો. છેલ્લા 7 દિવસથી ફ્લાઈટ રદ્દ થવા અને મોડી પડવાના કારણે સર્જાયેલા સંકટની સીધી અસર કંપનીના શેર પર જોવા મળી, જેમાં 6.6% સુધીનો મોટો ઘટાડો નોંધાયો. BSE પર શેર ગગડીને 5012.05ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો, જેના કારણે કંપનીનું માર્કેટ કેપ ઘટીને 1.95 લાખ કરોડની આસપાસ આવી ગયું છે. આ ઘટાડા પાછળ ઓપરેશનલ અને કોસ્ટ પ્રેશર વધવાની આશંકા મુખ્ય કારણ છે.
ફ્લાઈટ સંકટ અને નવા નિયમો
ફ્લાઈટ સંકટ અને નવા નિયમોની અસરને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે, અને તેની અસર બ્રોકરેજ ફર્મોના રિપોર્ટ્સમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઈન્વેસ્ટેક જેવી બ્રોકરેજ ફર્મે સ્ટોક પર સેલ રેટિંગ યથાવત રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ 4040 આપ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે FY26 ના પહેલા છ મહિનામાં કંપનીના નબળા પ્રદર્શન બાદ, ઓક્ટોબર-ડિસેમ્બર 2025ના ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત રિકવરીની આશા ઓછી છે. વધુમાં, એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ના ભાવમાં 6%નો વધારો અને ડોલર સામે રૂપિયો ગગડીને 90 ના નવા નીચલા સ્તરે પહોંચતા એરલાઈન પર ખર્ચનું દબાણ વધ્યું છે.
સંકટ પાછળનું મુખ્ય કારણ
આ સંકટ પાછળનું મુખ્ય કારણ ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન (FDTL)ના નવા નિયમો છે. આ નિયમોનું પાલન કરવા માટે ઈન્ડિગોને 10 ફેબ્રુઆરી, 2026 સુધીનો સમય મળ્યો છે, પરંતુ તેના માટે પ્રતિ વિમાન લગભગ 20% વધુ પાઈલટોની જરૂર પડશે. ઈન્વેસ્ટેકના અંદાજ મુજબ, આનાથી કંપનીનો ખર્ચ પ્રતિ સીટ કિલોમીટર 0.10 વધી શકે છે. જો ભાડા વધારીને આ ખર્ચની ભરપાઈ ન કરવામાં આવે, તો કંપનીનો ટેક્સ પહેલાનો નફો (PBT) લગભગ 25% સુધી ઘટી શકે છે.
UBS એ ઈન્ડિગોના શેર પર બાય રેટિંગ આપ્યું
જોકે, તમામ બ્રોકરેજ ફર્મ નિરાશાવાદી નથી. UBS એ ઈન્ડિગોના શેર પર બાય રેટિંગ આપ્યું છે, પરંતુ ટાર્ગેટ પ્રાઈસ ઘટાડીને 6350 કરી દીધો છે. UBS માને છે કે ટૂંકાગાળાની ઓપરેશનલ સમસ્યાઓ છતાં, આંતરરાષ્ટ્રીય બજારમાં વિસ્તરણને કારણે ઈન્ડિગોનો લોંગ-ટર્મ ગ્રોથ આઉટલૂક મજબૂત છે. તેવી જ રીતે, કોટક ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝે એડ રેટિંગ જાળવી રાખીને ટાર્ગેટ પ્રાઈસ 6400 થી ઘટાડીને 5700 કર્યો છે. જ્યારે જેફરીઝે 7025 ના ટાર્ગેટ પ્રાઈસ સાથે બાય રેટિંગ આપ્યું છે.
આ દરમિયાન, ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આયોજન અને સંસાધન સંચાલનમાં ખામીઓ બદલ ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને અન્ય એક મેનેજરને કારણદર્શક નોટિસ ફટકારી છે. ઈન્ડિગોએ જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો છે, જે DGCA દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.
કંપનીના CEO પીટર એલ્બર્સે કર્મચારીઓને ખાતરી આપી છે કે એરલાઈન ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પાછી ફરી રહી છે. તેમણે જણાવ્યું કે, મુસાફરોને એરપોર્ટ પર પરેશાન ન થવું પડે તે માટે ફ્લાઈટ્સ હવે પહેલા તબક્કામાં જ રદ્દ કરવામાં આવી રહી છે. ઈન્ડિગોએ અત્યાર સુધીમાં રદ્દ થયેલી કે મોડી પડેલી ફ્લાઈટ્સ માટે 610 કરોડનું રિફંડ પણ પ્રોસેસ કરી દીધું છે અને શનિવાર સુધીમાં 3,000 મુસાફરોનો સામાન તેમના સુધી પહોંચાડી દીધો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.