સરકારી બેન્કોનું NPA 10 વર્ષમાં સૌથી નીચા સ્તરે આવ્યું, સંપત્તિની ગુણવત્તામાં પણ થયો સુધારો
જાહેર ક્ષેત્રની બેન્કો નાણાકીય સમાવેશને વધારવા માટે દેશના દરેક ખૂણે તેમની પહોંચ વિસ્તારી રહી છે. તેમનો મૂડી આધાર મજબૂત થયો છે અને તેમની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે.
જાહેર ક્ષેત્રની બેન્કો નાણાકીય સમાવેશને વધારવા માટે દેશના દરેક ખૂણે તેમની પહોંચ વિસ્તારી રહી છે.
સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓને કારણે જાહેર ક્ષેત્રની બેન્કોનું NPA સતત ઘટી રહી છે. જાહેર ક્ષેત્રની બેન્કોની NPA સપ્ટેમ્બર 2024ના અંતે ઘટીને 3.12 ટકાના દાયકાના નીચા સ્તરે આવી ગઈ છે. માર્ચ 2018માં જાહેર ક્ષેત્રની બેન્કોની ગ્રોસ એનપીએ 14.58 ટકા હતી. નાણા મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. સરકારના ચાર 'R' પગલાં એટલે કે સમસ્યાની માન્યતા (Recognition), પુનઃમૂડીકરણ (Recapitalization), ઉકેલ (resolution) અને સુધારા (Reform)ને કારણે NPAમાં ઘટાડો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે 2015થી સરકારે જાહેર ક્ષેત્રની બેન્કો સામેના પડકારોનો સામનો કરવા માટે ચાર 'R' વ્યૂહરચના અપનાવી છે. આ હેઠળ, NPAની પારદર્શક ઓળખ, તેના નિરાકરણ અને બેડ લોનની વસૂલાત, PSBsમાં મૂડીનું રોકાણ અને નાણાકીય વ્યવસ્થામાં સુધારા માટે પગલાં લેવામાં આવ્યા હતા.
જાહેર ક્ષેત્રની બેન્કોમાં મૂડી પર્યાપ્તતા ગુણોત્તર સપ્ટેમ્બર, 2024માં 3.93 ટકા વધીને 15.43 ટકા થયો, જે માર્ચ, 2015માં 11.45 ટકા હતો. જાહેર ક્ષેત્રની બેન્કોએ 2023-24 દરમિયાન 1.41 લાખ કરોડ રૂપિયાનો અત્યાર સુધીનો સૌથી વધુ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે 2022-23માં 1.05 લાખ કરોડ રૂપિયા હતો. 2024-25ના પ્રથમ છ મહિનામાં આ આંકડો 0.86 લાખ કરોડ રૂપિયા હતો. છેલ્લા ત્રણ વર્ષમાં PSBs એ કુલ રુપિયા 61,964 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે.
મૂડી આધાર મજબૂત
નાણા મંત્રાલયે કહ્યું, “જાહેર ક્ષેત્રની બેન્કો નાણાકીય સમાવેશને વધારવા માટે દેશના દરેક ખૂણે તેમની પહોંચ વિસ્તારી રહી છે. તેમનો મૂડી આધાર મજબૂત થયો છે અને તેમની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે. હવે તેઓ મૂડી માટે સરકાર પર નિર્ભર રહેવાને બદલે બજારમાંથી મૂડી એકત્ર કરવામાં સક્ષમ છે.'' દેશમાં નાણાકીય સમાવેશને મજબૂત કરવા, 54 કરોડ જનધન ખાતાઓ અને વિવિધ મોટી નાણાકીય યોજનાઓ PM-મુદ્રા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા, PM - સ્વાનિધિ, પીએમ વિશ્વકર્મા હેઠળ, કોઈપણ ગેરેંટી વિના રુપિયા 52 કરોડથી વધુની લોન મંજૂર કરવામાં આવી છે.
બેન્ક શાખાઓની સંખ્યા વધીને 1,60,501 થઈ
નાણા મંત્રાલયે કહ્યું કે મુદ્રા યોજના હેઠળ 68 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે અને પીએમ-સ્વાનિધિ યોજના હેઠળ 44 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે. સપ્ટેમ્બર, 2024માં બેન્ક શાખાઓની સંખ્યા વધીને 1,60,501 થઈ ગઈ જે માર્ચ, 2014માં 1,17,990 હતી. 1,60,501 શાખાઓમાંથી 1,00,686 શાખાઓ ગ્રામીણ અને નગરોમાં છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ચ 2024માં અનુસૂચિત વ્યાપારી બેન્કોની ગ્રોસ ક્રેડિટ નોંધપાત્ર રીતે વધીને 175 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2004-2014 દરમિયાન તે રુપિયા 8.5 લાખ કરોડથી વધીને રુપિયા 61 લાખ કરોડ થયું હતું.