ભારતીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હાલ અમેરિકન ટેરિફના ભારે દબાણનો સામનો કરી રહી છે.
Cotton Import: કેન્દ્ર સરકારે ભારતીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. કોટનની ઇમ્પોર્ટ પર ઇમ્પોર્ટ ડ્યૂટીની છૂટને 3 મહિના માટે લંબાવીને 31 ડિસેમ્બર 2025 સુધી લદાવી છે, જે અગાઉ 30 સપ્ટેમ્બર 2025 સુધી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા ગુરુવારે આ અંગે નોટિફિકેશન જાહેર કરાયું.
આ નિર્ણય અગાઉ 19 ઓગસ્ટ 2025થી લાગુ કરાયેલી ડ્યૂટી છૂટનો વિસ્તાર છે, જેનો હેતુ ઘરેલું બજારમાં કોટનની કિંમતોને સ્થિર રાખવાનો અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ટેકો આપવાનો હતો. સરકારના જણાવ્યા પ્રમાણે, આ પગલું યાર્ન, ફેબ્રિક, ગારમેન્ટ્સ અને રેડીમેડ કપડાંની સમગ્ર વેલ્યૂ ચેઇનમાં ઇનપુટ ખર્ચ ઘટાડશે, જેનાથી ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને ફાયદો થશે.
અમેરિકન ટેરિફનું દબાણ
ભારતીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હાલ અમેરિકન ટેરિફના ભારે દબાણનો સામનો કરી રહી છે. અમેરિકાએ 27 ઓગસ્ટ 2025થી ભારતમાંથી ટેક્સટાઇલ અને અન્ય ચીજવસ્તુઓની નિકાસ પર 50% ઇમ્પોર્ટ ટેરિફ લગાવ્યો છે, જેમાં 25% બેઝ ટેરિફ અને 25% વધારાની પેનલ્ટી શામેલ છે. આ પેનલ્ટી રશિયા પાસેથી તેલની ખરીદીને કારણે લાદવામાં આવી છે. તુલનામાં, બાંગ્લાદેશ અને વિયેતનામ માટે આ દર 20% અને ચીન માટે 30% છે, જેનાથી ભારતની સ્પર્ધાત્મકતાને નોંધપાત્ર નુકસાન થયું છે.
ઇન્ડસ્ટ્રીની માંગને મળ્યો ટેકો
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI) સહિત અનેક ઉદ્યોગ સંગઠનોએ સરકારને કોટનની ઇમ્પોર્ટ પર ડ્યૂટી હટાવવાની માંગ કરી હતી, જેથી ભારતીય ઇન્ડસ્ટ્રી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે. અગાઉ કોટનની ઇમ્પોર્ટ પર 11% ડ્યૂટી લાગતી હતી. હવે આ છૂટને ડિસેમ્બર 2025 સુધી લંબાવવાથી કંપનીઓ અને નિકાસકારોને રાહત મળશે, ખાસ કરીને જ્યારે અમેરિકન ટેરિફથી ખર્ચ અને નફો બંને પર અસર થઈ રહી છે.
આ નિર્ણય ભારતીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક બજારમાં મજબૂતી આપવા અને સ્થાનિક ગ્રાહકોને સસ્તા ઉત્પાદનો પૂરા પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.