આજે સોનામાં પા ટકા જેટલો ઘટાડો સ્થાનિક બજારમાં જોવા મળી રહ્યો છે.. વૈશ્વિક શેર બજારોમાં આવેલી એક રિલિફ રેલી બાદ સોનામાં આજે દબાણ છે.. ગઈકાલે જ MCX પર સોનાએ ફરી એકવાર ઉચ્ચત્તમ સ્તર બનાવ્યા બાદ સાંજ સુધીમાં દબાણ આવી ગયું હતું. પરંતુ આજે આ દબાણમાં સામાન્ય વધારો નોંધાયો છે.
સોનાને પગલે ચાંદીમાં પણ આજે દબાણ આવ્યું છે. ચાંદીમાં સતત આવેલી તેજી બાદ આજે પા ટકાની આસપાસનું દબાણ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ 17 ડોલરની આસપાસ પહોંચી ગયા છે.
બેઝ મેટલ્સમાં સતત તેજી યથાવત્ છે. ચીનમાં અને અન્ય દેશોમાં લિક્વિડિટી વધી છે જેને કારણે બેઝ મેટલ્સના ભાવમાં સતત વધારો આવ્યો છે. આજે ઝિંકમાં સૌથી વધારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે હજુ સુધી ચીનમાં ઉત્પાદન અને બાંધકામની પ્રવૃત્તિ હજુ શરૂ થઈ નથી જેને કારણે શાંઘાઈ પર વધેલી ઈન્વેન્ટરીમાં હજુ સુધી ઘટાડો આવ્યો નથી.
ક્રૂડમાં આજે સ્થાનિક બજારમાં ઘટાડો છે, પરંતુ બ્રેન્ટમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે ઉછાળો આવ્યો છે. આજે બ્રેન્ટના ભાવ 52 ડોલરની નીચે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આજથી વિએનામાં બે દિવસની OPECની બેઠક શરૂ થવાની છે. OPEC દ્વારા 10 લાખ બેરલ પ્રતિ દિવસનો ઉત્પાદન કાપ અને જૂન સુધી ડીલને લંબાવાવનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે જ વેનેન્ઝુએલા, લિબિયા અને ઈરાનથી નિકાસમાં ઘટાડો આવતા OPECનો વૈશ્વિક સપ્લાયમાં હિસ્સો ઘટીને દાયકાના તળિયે પહોંચી ગયો છે.
નેચરલ ગેસમાં આજે એક ટકાનો ઉછાળો આવ્યો છે.
CPOમાં આજે ઉછાળો આવ્યો છે. તો સોયાતેલમાં પણ આજે એક ટકાની આસપાસનો ઉછાળો છે. આ ઉપરાંત સોયાબિનમાં પણ આજે સવા એક ટકાની તેજી આવી રહી છે. જીરું, હળદર અને ધાણાંમાં તેજી છે. ધાણામાં આ અઠવાડિયે સારી એવી તેજી આવી છે. કપાસિયા ખોળમાં આજે પણ તેજી યથાવત્ છે. રાયડામાં પણ એકટકાનો ઉછાળો આવ્યો છે. એરંડા અને ચાણામાં પણ આજે ઉછાળો છે.