USના યુરોપથી આવનાર મુસાફરો પર પ્રતિબંધના કારણે બ્રેન્ટની કિંમતોમાં લગભગ 5 ટકાનો ઘટાડો નોંધાયો, સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં સાડા 4 ટકાનું દબાણ જોવા મળ્યું, સાથેજ સાઉદી અરામકો ક્રૂડ પ્રોડક્શન કેપેસિટી 1 mbpdથી વધારશે, તો USની સાપ્તાહિક ઇન્વેન્ટરીઝ પણ 7.7 મિલિયન બેરથી વધી છે, આ બધા સમાચારની અસર ક્રૂડની કિંમતો પર દેખાઈ રહી છે.
નેચરલ ગેસમાં 7 ટકાનો ઘટાડો આવતા MCX પર ભાવ 135ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.
ગઈકાલની રિકવરી બાદ આજે બેઝ મેટલ્સમાં ફરી દબાણ જોવા મળ્યું, USના યુરોપ મુસાફરો પર પ્રતિબંધના સમાચારથી કિંમતોમાં ઘટાડો નોંધાયો, સૌથી વધારે ઘટાડો કોપરમાં જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં સોનું નાની રેન્જમાં રહ્યું, જ્યારે સ્થાનિક બજારમાં મામુલી ઘટાડો નોંધાયો, વાસ્તવમાં દુનિયાભરની ઇક્વિટી બજારોમાં વેચવાલીના કારણે રોકાણકારો માર્જિન કવર કરવા સોનામાં વેચવાલી કરી રહ્યા છે, આ સાથે જ ગ્લોબલ સેન્ટ્રલ બેન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો છે, જેની અસર સોનાની કિંમતો પર જોવા મળી, તો બીજી બાજુ SPDR ગોલ્ડની હોલ્ડિંગ વધીને 3 વર્ષના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ.
વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો પર દબાણ રહેતા ભાવ 17 ડૉલરની નીચે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, ચારેબાજુએથી ઘટાડો જોવા મળી રહ્યો છે, ચણા સાથે એરંડામાં લગભગ એક ટકાનું દબાણ છે, મસાલા પેકમાં સૌથી વધારે ઘટાડો ધાણામાં જોવા મળ્યો, જ્યારે ગુવાર પેકમાં લગભગ 3 ટકાનું દબાણ દેખાઈ રહ્યું છે, ખાદ્ય તેલ સાથે સોયાબિનમાં પણ ઘટાડા સાથેનો કારોબાર થઈ રહ્યો છે.