સોનામાં આજે રિકવરી આવી છે અને ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 1500 ડોલરની ઉપર પહોંચી ગયા છે. MCX પર 40 હજારને પાર સોનું ટ્રેડ કરી રહ્યું છે. આ સપ્તાહના નીચલા સ્તરેથી સોનું 3.5% જેટલું વધ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સ્ટિમ્યુલસ આપવાના સમાચાર બાદ આજે સોનામાં ઉછાળો આવ્યો છે.
ચાંદીમાં પણ આજે જબરદસ્ત ઉછાળો છે. ચાંદીમાં ગઈકાલે મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવ 11 વર્ષના નીચલા સ્તરે જોવા મળ્યા હતા. જ્યાંથી આજે મોટો ઉછાળો આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં 12 ડોલરની ઉપર કારોબાર છે. સ્થાનિક બજારમાં ભાવ 36 હજારની નજીક પહોંચી ગયા છે.
બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે. કોપરની કિંમતમાં 40 મહિનાના નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો હતો, પરંત હાલ કોપરમાં દબાણ છે. નિકલમાં આજે ઉછાળો છે. ગઈકાલે 900ની ઉપર ટ્રેડ કરતું નીકલ આજે ફરી 900ની નીચે છે. નિકલ સિવાયના તમામ બેઝ મેટલ્સમાં દબાણ છે.
ક્રૂડ ઓઈલમાં ગઈકાલે 6%નો ઘટાડો આવ્યો હતો અને બ્રેન્ટના ભાવ 30 ડોલરની નીચે તો WTIના ભાવ 28 ડોલરની નીચે પહોંચ્યા છે. આ વર્ષે ક્રૂડની કિંમતો 56% ઘટી છે. 1લી એપ્રિલથી અભૂતપૂર્વ ઉત્પાદન સાઉદી અરબ અને રશિયા કરવાની તૈયારી કરી રહ્યું છે, જેને પગલે ભાવ બેરિશ મૂડમાં જોવા મળી રહ્યા છે.
નેચરલ ગેસમાં આજે ત્રણ ટકાનું દબાણ છે. ભાવ 127ની નજીક છે.
એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, ગઈકાલના ઘટાડા બાદ એગ્રી કૉમોડિટીમાં રિકવરી જોવા મળી, એરંડા અને ચણામાં અડધા ટકાની તેજી રહી, સાથે જ મસાલા પેકમાં પણ રિકવરી દેખાઈ. સોયા ઓઈલ અને સોયાબિનમાં મજબૂતી યથાવત્ છે, પણ ગુવાર પેકમાં દબાણ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે.