ભારતીય ટેક સ્ટાર્ટઅપ હાઇક, જે એક સમયે WhatsAppનો મજબૂત હરીફ હતું, હવે પોતાનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી રહ્યું છે. ભારત સરકારના રિયલ-મની ગેમિંગ (RMG) પરના તાજેતરના પ્રતિબંધના નિર્ણય બાદ કંપનીએ આ પગલું ભર્યું છે. હાઇકના ફાઉન્ડર અને CEO કવિન મિત્તલે જણાવ્યું કે કંપની ભારત અને અમેરિકા સહિત તમામ દેશોમાં પોતાનું ઓપરેશન બંધ કરશે.
કવિન મિત્તલે તેમના સબસ્ટેક ન્યૂઝલેટરમાં લખ્યું, "ઘણા વિચાર-વિમર્શ અને ચર્ચા બાદ, મેં હાઇકના તમામ ઓપરેશન, જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે, તેને સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લીધો છે." તેમણે જણાવ્યું કે કંપનીની ફાઈનાન્શિયલ ક્ષમતા 7 મહિનાથી ઘટીને માત્ર 4 મહિના રહી ગઈ છે. મિત્તલે ઉમેર્યું કે ગ્લોબલ વિસ્તરણ માટે મોટા પાયે કેપિટલ અને રણનીતિક ફેરફારની જરૂર હતી, પરંતુ હવે તે આગળ વધવા યોગ્ય નથી. તેમણે કહ્યું, "13 વર્ષમાં પહેલીવાર મારો જવાબ ‘ના’ છે—ન મારા માટે, ન મારી ટીમ માટે, ન રોકાણકારો માટે."
હાઇકની સફર: મેસેન્જરથી ગેમિંગ સુધી
ભારત સરકારના નવા ઓનલાઈન ગેમિંગ બિલ હેઠળ રિયલ-મની ગેમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધના નિર્ણય બાદ હાઇકનું ‘રશ’ પ્લેટફોર્મ આગામી મહિને બંધ થશે. મિત્તલે જણાવ્યું કે સરકારનો આ નિર્ણય સ્પષ્ટ છે, પરંતુ તે નિરાશાજનક પણ છે. તેમણે તેમની ટીમની પ્રશંસા કરતાં કહ્યું, “આ એક અદ્ભુત ટીમ હતી, જેણે પોતાનું બધું જ આપી દીધું.”
હાઇકના બંધ થવાથી ભારતીય ટેક ઈન્ડસ્ટ્રીમાં એક મહત્ત્વપૂર્ણ અધ્યાયનો અંત થયો છે. આ ઘટના દર્શાવે છે કે સરકારી નીતિઓની સ્ટાર્ટઅપ્સ પર કેટલી ઊંડી અસર પડી શકે છે. મિત્તલે કહ્યું, “આ નિરાશાજનક છે, પરંતુ અમે જે અનુભવ મેળવ્યો તે અમૂલ્ય છે.”