આ મંજૂરીની સાથે RBIએ એક શરત પણ મૂકી છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ એક્વિઝિશન પછી પણ SMBCને યસ બેંકના પ્રમોટર તરીકે ગણવામાં આવશે નહીં.
યસ બેંક માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાપાનની સુમિતોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન (SMBC) ને પ્રાઇવેટ સેક્ટરની યસ બેંકમાં 24.99% સુધીની હિસ્સેદારી ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. યસ બેંકે શેર બજારને આ અંગેની જાણકારી આપી હતી, જેનાથી બેંકના ભવિષ્ય માટે આશા જાગી છે.
યસ બેંકે 9 મે, 2025ના રોજ SMBC દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસેથી 13.19% હિસ્સો અને અન્ય સાત શેરહોલ્ડરો પાસેથી 6.81% હિસ્સો ખરીદીને કુલ 20% હિસ્સેદારી મેળવવાના પ્રસ્તાવની જાહેરાત કરી હતી. હવે, RBIની નવી મંજૂરીથી SMBC યસ બેંકમાં 24.99% સુધીનો હિસ્સો ખરીદી શકશે.
SMBCને પ્રમોટર ગણવામાં આવશે નહીં
આ મંજૂરીની સાથે RBIએ એક શરત પણ મૂકી છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ એક્વિઝિશન પછી પણ SMBCને યસ બેંકના પ્રમોટર તરીકે ગણવામાં આવશે નહીં. આ મંજૂરી પત્રની તારીખથી એક વર્ષ માટે માન્ય રહેશે, જે 22 ઓગસ્ટ, 2025થી ગણવામાં આવશે.
મંજૂરી કેટલીક શરતોને આધીન
આ ડીલ માટે RBIની મંજૂરી કેટલીક શરતો પર આધારિત છે. જેમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, બેન્કિંગ કંપનીઓમાં શેર અથવા વોટિંગ રાઈટ્સના એક્વિઝિશન પર RBIની માસ્ટર ગાઇડલાઇન્સ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999ના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સિવાય, આ ડીલને ભારતીય સ્પર્ધા આયોગ (CCI)ની મંજૂરી પણ મેળવવી પડશે.
શેર બજારમાં યસ બેંકનું પર્ફોમન્સ
આ સમાચાર આવ્યા તે પહેલાં, શુક્રવારે યસ બેંકના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 0.15 રૂપિયા (0.77%)ના ઘટાડા સાથે 19.28 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. હાલમાં, યસ બેંકના શેર 52 અઠવાડિયાના હાઈથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે, જે 24.84 રૂપિયા હતો. તેનું 52 અઠવાડિયાનું લો 16.02 રૂપિયા છે. BSEના ડેટા મુજબ, યસ બેંકનું હાલનું માર્કેટ કેપ 60,480.45 કરોડ રૂપિયા છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.