India-China border trade set to resume: ભારત અને ચીન વચ્ચે 2020થી બંધ પડેલો સીમા વેપાર ફરી શરૂ થઈ શકે છે. બંને દેશો વચ્ચે આ માટે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ છે, જે તણાવ ઘટાડવાની દિશામાં મહત્વનું પગલું ગણાય છે. આ વાતચીત હજુ પ્રારંભિક અને ગોપનીય સ્તરે છે, પરંતુ બંને દેશોએ મર્યાદિત સીમા માર્ગો દ્વારા વેપાર શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બેઇજિંગ આ મુદ્દે ભારત સાથે સંવાદ અને સહયોગ વધારવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે સીમા વેપારે બંને દેશોના સીમાવર્તી વિસ્તારોના રહેવાસીઓના જીવનમાં સુધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ત્રણ દાયકાનો વેપાર ઇતિહાસ
ભારત અને ચીન વચ્ચે લગભગ ત્રણ દાયકા સુધી મર્યાદિત સીમા વેપાર ચાલ્યો હતો. આ વેપારમાં મસાલા, કાર્પેટ, લાકડાનું ફર્નિચર, ઔષધીય છોડ, માટીનાં વાસણો, પશુઓનો ચારો, ઊન અને ઇલેક્ટ્રોનિક સામાન જેવી સ્થાનિક વસ્તુઓની લેવડ-દેવડ થતી હતી. આ વેપાર 3488 કિલોમીટર લાંબી વિવાદિત હિમાલય સીમા પર ત્રણ નિર્ધારિત સ્થળોએ થતો હતો. સરકારી આંકડા મુજબ, 2017-18માં આ વેપારનું કુલ મૂલ્ય 3.16 મિલિયન ડોલર હતું. ભલે આ વેપારનું પ્રમાણ નાનું હતું, પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે તે ખૂબ ઉપયોગી હતું.
કોવિડ અને ગલવાન ઘટનાએ રોક્યો વેપાર
તાજેતરના મહિનાઓમાં બંને દેશોએ તણાવ ઘટાડવા માટે કૂટનીતિક પગલાં લીધાં છે. રિપોર્ટ્સ મુજબ, ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ ટૂંક સમયમાં ફરી શરૂ થઈ શકે છે. ચીને ભારતને ખાતરના નિર્માણ પરના કેટલાક પ્રતિબંધોમાં પણ રાહત આપી છે, જે સંબંધોમાં સુધારાનો સંકેત આપે છે. આ પગલાં એવા સમયે લેવાઈ રહ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધો તણાવગ્રસ્ત છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી નિકાસ થતી વસ્તુઓ પર 50% સુધી ટેરિફ લગાવ્યો છે, જે અન્ય એશિયાઈ દેશોની તુલનામાં ઘણો વધારે છે.