જમ્મુ-કાશ્મીર હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલો મૂશળધાર વરસાદ છેલ્લા 100 વર્ષમાં ઓગસ્ટ મહિનાનો બીજો સૌથી ભયાનક વરસાદ સાબિત થયો છે. આજે સવારે 8.30 વાગ્યા સુધીમાં કુલ 190.4 મિ.મી. વરસાદ નોંધાયો હતો, જેણે જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે. આ પહેલા 5 ઓગસ્ટ, 1926ના રોજ સૌથી વધુ 228.6 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
શહેરોમાં પૂર, લોકોના ઘરોમાં પાણી ભરાયા
જમ્મુ શહેરમાં સ્થિતિ સૌથી ગંભીર છે. ભારે વરસાદના કારણે નદી-નાળાઓ ઓવરફ્લો થઈ ગયા છે અને ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. જાનીપુર, રૂપ નગર, તાલાબ ટિલ્લુ અને જ્વેલ ચોક જેવા અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓ નદી જેવા દેખાઈ રહ્યા છે અને ડઝનથી વધુ વાહનો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયાના સમાચાર છે.
હોસ્ટેલમાં ફસાયા 45 વિદ્યાર્થીઓ, SDRF-પોલીસે કર્યું રેસ્ક્યુ
જમ્મુની ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટેગ્રેટિવ મેડિસિન (IIIM)ના કેમ્પસમાં પૂરના પાણી ફરી વળતાં હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર લગભગ 45 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. અહીં સાત ફૂટથી વધુ પાણી ભરાઈ ગયું હતું. માહિતી મળતા જ પોલીસ અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ પાંચ કલાક સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં બોટની મદદથી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
27 ઓગસ્ટ સુધી 'રેડ એલર્ટ'
હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ ગંભીર ચેતવણી આપી છે. 27 ઓગસ્ટ સુધી જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં આભ ફાટવાની, અચાનક પૂર અને ભૂસ્ખલન થવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
મુખ્ય રસ્તાઓ અને હાઈવેની સ્થિતિ
* ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
* પૂંછ અને રાજોરીને શોપિયાં સાથે જોડતો મુઘલ રોડ બંધ છે.
* કિશ્તવાડ અને ડોડાને અનંતનાગ સાથે જોડતો સિંથન રોડ પણ બંધ છે.
* કઠુઆમાં ભારે વરસાદના કારણે જમ્મુ-પઠાણકોટ હાઈવે પરનો એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે.
જોકે, 250 કિ.મી. લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે અને 434 કિ.મી. લાંબો શ્રીનગર-લેહ નેશનલ હાઈવે હાલમાં ટ્રાફિક માટે ખુલ્લો છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે સલાહ આપવામાં આવી છે.