Gujarat rain: ગુજરાતમાં મોનસૂનની સીઝન ફરી એકવાર સક્રિય થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં વરસાદે હાજરી પુરાવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ, 24 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી 25 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં 4.02 ઈંચ નોંધાયો, જ્યારે અમદાવાદ શહેરમાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો.
અમદાવાદમાં વરસાદથી જળબંબાકાર
અમદાવાદમાં માત્ર 1 ઈંચ વરસાદે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી કરી. રવિવારે ઝરમરથી લઈને સામાન્ય વરસાદનો માહોલ રહ્યો, જેના કારણે રજાના દિવસે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા જોવા મળ્યા. આ વરસાદે શહેરના ટ્રાફિક અને રોજિંદા જીવન પર પણ અસર કરી.
SEOCના રિપોર્ટ મુજબ રાજ્યના 26 તાલુકાઓમાં 2થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો, જેમાં છોટાઉદેપુર, સુરત, સાબરકાંઠા, તાપી, વડોદરા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, નર્મદા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને નવસારી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 50 તાલુકાઓમાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો, જેમાં પાલનપુરથી વલસાડ અને જામનગરથી છોટાઉદેપુર સુધીના વિસ્તારો આવી ગયા.
હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે 25 ઓગસ્ટ 2025, સોમવાર માટે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.