યસ બેન્ક પર સરકારે મોરેટોરિયમ પીરિયડ લગાવી દીધો છે એટલે કે યસ બેન્ક પર અણૂક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ગઇકાલે સાંજે 6 વાગ્યાથી બેન્કના કોઇ પણ ખાતાધારક તેના ખાતા માંથી રૂપિયા 50 હજારથી વધુનો ઉપાડ નહીં કરી શકે. આ રોક 3 એપ્રિલ સુધી લાગૂ કરવામાં આવી છે. જોકે સરકારે અમૂક છૂટ પણ આપી છે. જો કોઇ ખાતાધારકને મેડિકલ ઇમરજન્સી, ઉચ્ચ શિક્ષણ માટે રકમ અથવા તો લગ્ન કે પછી કોઇ અન્ય ઇમરજન્સી માટે પૈસાની જરૂરત પડે છે તો તેમને 50 હજારથી વધુની રકમ ઉપાડવાની મંજૂરી મળશે.
જોકે તેઓ આ છૂટમાં 5 લાખ રૂપિયા સુધી જ ઉપાડી શકશે. આ સાથે બેન્કના ગ્રાહકો યસ બેન્ક પાસેથી લોન પણ નહીં લઇ શકે. બેન્કના બધા કામકાજ પર પણ રોક લગાવી દીધી છે પરંતુ લેણદારોને બેન્ક 50 હજાર રૂપિયા સુધીની ચૂકવણી કરી શકશે સાથે જે ખાતાધારકની લોન ચૂકવાઇ ગઇ હશે તેના સામેનું કોલેટરલ તે છોડાવી શકશે. આ સાથે ગ્રાહકોના પે ઓર્ડર, ડ્રાફ્ટ પર 50 હજાર રૂપિયાની રોક લાગૂ નહીં થાય. 2004 બાદ RBIએ પહેલીવાર કોઇ મોટી બેન્ક વિરૂદ્ધ આટલા કડક પગલા લીધા છે. RBIએ આ પહેલા ઓરિયેન્ટલ બેન્ક ઑફ કોમર્સને ગ્લોબલ ટ્રસ્ટ બેન્કને કબ્જામાં લેવા કહ્યું હતું.
જોકે એવા સમાચાર છે કે SBI અને LIC યસ બેન્કમાં અમૂક હિસ્સો ખરીદી શકે છે. આ સમાચાર બાદ દેશભરમાં યસ બેન્કના ગ્રાહકો ચિંતામાં આવી ગયા હતા પરંતુ નાણાં મંત્રી નિર્મળા સીતારમણ અને RBIના ગવર્નર શક્તિકાંતા દાસે આશ્વાસન આપ્યું છે કે આ નિર્ણય તેમના હિતમાં લેવાયો છે અને તેમના પૈસા કોઇ પણ સ્થિતિમાં તેઓ ગુમાવશે નહીં. એટલે કોઇએ ગભરાવવાની જરૂરત નથી. આ સાથે નાણાં મંત્રીએ એમ પણ કહ્યું કે તેઓ જલ્દીથી બેન્કના રિઝૉલ્યુશન પ્લાનની જાહેરાત કરશે.
એસબીઆઈના ચેરમેન, રજનીશ કુમારનું કહેવુ છે કે હાલમાં ધીરજ રાખો, કોઈએ પણ ગભરાવવાની જરૂર નથી. યસ બેન્કમાં રોકાણ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી વિશે એક્સેચન્જને જણાવ્યું છે. RBI રિસ્ટ્રિક્ચરિંગની યોજના બનાવી લે પછી અમે કોલ લઈશું. RBIએ કહ્યું છે તેઓ રિસ્ટ્રક્ચરિંગ ઝડપથી પૂર્ણ કરશે. આ બેન્કની સમસ્યા છે નહીં કે આખા સેક્ટરની.
ક્રિષ્ણમૂર્તિ સુબ્રમણ્યનનું કહેવુ છે કે સરકાર અને RBI સારામાં સારો વિકલ્પ શોધી રહ્યા છે. યસ બેન્ક પર મોરેટોરિયમ નિર્ણય એકદમ ઉત્તમ છે. યસ બેન્કના ખાતાધારકોનો હિત સુરક્ષિત રાખવામાં આવશે. કંસોર્શિયમ, મર્જર સાથે બધા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
દિપક પારેખનું કહેવુ છે કે 3 એપ્રિલ સુધી યસ બેન્કનું મોરેટોરિયમ રહે તેવી આશા નહીં. યસ બેન્કના ખાતાધારકોને પૈસા પરત મળશે તે નિશ્ચિત છે.