કોરોનાવાયરસના કેર સાથે તો ભારતમાં ગઇકાલે બે કોરોનાવાયરસના પોઝિટિવ કેસ આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ બધા જરૂરી પગલા લઇ રહ્યું છે. દિલ્હીમાં એક કેસ જ્યારે તેલંગણાના હૈદરાબાદમાં એક કેસ નોંધાયો છે. બન્ને દર્દીને હાલ અલગ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે અને બન્ને સ્થિર છે. દિલ્હીનો દર્દી હમણાં ઇટલી જઇને આવ્યો છે જ્યારે હૈદરાબાદનો દર્દી દુબઇથી પરત ફર્યો છે.
દિલ્હીનો દર્દી નોઇડાની સ્કુલમાં ભણતા વિદ્યાર્થીનો પિતા છે અને તે દર્દીને મળેલા 40 લોકોને હાલ અલગ જગ્યાએ રાખીને તપાસ કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં 90 હજારથી વધુ લોકોને આ વાયરસની અસર થઇ છે જેમાં 3100 થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
જેના કારણે ભારતે આ વાયરસ સામે લડવાની પુરી તૈયારી કરી છે. જે લોકોને આની અસર થઇ છે તેને અલગ વોર્ડમાં રાખવાની સાથે સાથે ચીન, ઇરાન, ઇટલી જેવા દેશોમાં લોકોને મુસાફરી ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.
નોઇડામાં ઇટલીથી આવેલા એક વ્યક્તિને કોરોનાવાયરસની પુષ્ટિ થયા બાદ સ્વાસ્થ્ય વિભાગ પુરજોશમાં સાવધાની વર્તિ રહ્યું છે.. જણાવવામાં આવી રહ્યું છે કે ઇટલીથી આવ્યા બાદ આ વ્યક્તિએ આગરામાં એક પાર્ટી રાખી હતી જેમાં નોઇડાના એક સ્કુલના બે બાળકો સહિત 5 લોકો સામેલ થયા હતા. જેની જાણકારી મળ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગે પાર્ટીમાં સામેલ થયેલા બધા લોકોના તપાસના આદેશ આપી દીધા છે.
રાજસ્થાનમાં કોરોનાવાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જોધપુરમાં ઇરાનથી પરત ફરી એક વ્યક્તિને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને આ શંકાસ્પદનું સેમ્પલને આગળ તપાસ માટે મોકલી દેવાયું છે. આ પહેલા જયપુરમાં પણ એક શંકાસ્પદ કેસ આવ્યો હતો જેમાં ઇટલીના નાગરિકમાં કોરોનાવાયરસના લક્ષણ સામે આવ્યા હતા. જોકે તપાસમાં પહેલું સેમ્પલ નેગેટિવ આવ્યું હતું પરંતુ બીજું સેમ્પલ પોઝિટિવ આવ્યું જે બાદ સેમ્પલને પુણે મોકલવામાં આવ્યો છે.