રોજગારી આપવામાં દેશમાં ગુજરાત ટોચ પર છે, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત 81 ટકા સાથે ટોચ પર છે. સ્ટાર્ટઅપ માટે જરૂરી લોન આપીને યુવાનોને રોજગારી આપવામાં પણ ગુજરાત આગળ પડતું રહ્યું છે. અનેક બેરોજગાર યુવાનો રોજગારી મેળવીને સન્માન સાથે જિંદગી જીવી રહ્યા છે.
કોઈ પણ દેશ કે સમાજના વિકાસ માટે રોજગારી પૂર્વશરત છે...ગુજરાત અન્ય બાબતોની જેમ રોજગારના મોરચે પણ સૌથી આગળ રહ્યું છે. રાજ્યની વિજયભાઈ રુપાણીની સરકાર યુવાનોને રોજગાર આપવામાં દેશમાં અગ્રેસર રહી છે. આ વાતનો પુરાવો છે રોજગાર વિનિમય કચેરીના આંકડા.
રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે યોજાતા રોજગાર મેળા અને રોજગાર વિનિમયની કચેરીના માધ્યમથી અનેક યુવાનો રોજગારી મેળવી ચૂક્યા છે અને આજે સન્માનભેર પોતાના પગ પર ઉભા છે.
આવી જ એક યુવતી છે સ્વાતિ વાઘેલા. સ્વાતિએ વર્ષ 2013માં HR વિષયમાં એમબીએ પૂર્ણ કર્યુ હતું...તે નોકરીની શોધમાં હતી. એવામાં સ્વાતિએ સરકાર દ્વારા આયોજીત રોજગારી મેળામાં ભાગ લીધો અને ગુજરાત ઈન્ફોટેક લીમીટેડ કંપનીમાં તેની પસંદગી પણ થઈ ગઈ. સ્વાતિ આજે કોર્પોરેટ ઓફીસમાં વટભેર નોકરી કરી રહી છે અને વિજય રુપાણી સરકારનો આભાર વ્યક્ત કરે છે.
સ્વાતિની જેમ રુતિક અને હાર્દિક ને પણ રોજગાર મેળા દ્વારા જ રોજગારી મળી. આજે તેઓ પણ રોજગારી મેળવતા થયા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી શ્રીનાથ ટ્રાવેલ્સ કંપનીએ રોજગાર ભરતી મેળામાં બંને મિત્રોની પસંદગી કરી હતી. જેના પરિણામે આજે બંને આજે પોતાના પગ પર ઉભા છે. રુતિક નોકરીની સાથે ગ્રેજ્યુએશન પણ કરી રહ્યો છે.
રોજગાર મેળામાં ભાગ લઈને સારા કર્મચારીઓની પસંદગી થવા બદલ રોજગારદાતાઓ પણ ખુશ છે. તેઓ રાજ્ય સરકારના આ પ્રયાસને આવકારી રહ્યા છે. રોજગાર મેળાથી કર્મચારીઓની ભરતી કંપનીઓ માટે સરળ બની ગઈ છે.
ગુજરાત સરકારના પ્રયત્નોને કારણે જ રાજ્ય રોજગારી આપવામાં ટોચ પર છે. રોજગારીના 81 ટકાથી વધુ દર સાથે ગુજરાત દેશમાં ટોચ પર છે. રોજગારી મેળા રોજગાર મેળવવાનું સરળ અને સહજ માધ્યમ બની રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટથી રાજ્યમાં વિદેશી રોકાણ વધ્યું છે, જેનો ફાયદો યુવાનોને થઈ રહ્યો છે.
બેરોજગાર અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતા યુવાનોના સ્ટાર્ટઅપ માટે પણ રાજ્ય સરકાર જરૂરી લોન આપી રહી છે. તો વિદેશમાં ભણવા માગતા યુવાનો માટે પણ ઘણી યોજનાઓ છે. આ તમામ માહિતી યુવાનોને રોજગાર મેળામાં આપવામાં આવે છે.
આમ ગુજરાત સરકારની પહેલથી રાજ્યના બેરોજગાર યુવાનો રોજગાર મેળવી રહ્યા છે. યુવાનો નોકરી મેળવવાની સાથે રોજગારદાતા પણ બની રહ્યા છે. જેનાથી સમાજ વધુ સશક્ત બની રહ્યો છે.