નરહરિ અમીનનું ફોર્મ ભરવામાં મોડું થતાં BJPના બે ઉમેદવારો વિજય મુહૂર્ત ચૂક્યા. ભાજપે મો મીઠું કરાવી ત્રણેય ઉમેદવારોના ફોર્મ ભર્યા.
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ત્રણ ઉમેદવારો એવા અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરી અમિન વિજય મુહૂર્ત 12:39 વાગ્યે ફોર્મ ભરવાના હતા. પરંતુ બન્ને પક્ષના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી શક્યા નહી. નરહરિ અમીનનું ફોર્મ મોડું ભરાતા ભાજપના બીજા 2 ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા.
ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકતા 1:56 વાગ્યે ફોર્મ ભર્યા હતા. ત્રણેય ઉમેદવારો સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. આ પહેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારના સમર્થકો એકઠા થયા હતા. ઉમેદવારોને મોઢું મીઠું કરાવી ફોર્મ ભરવા માટે લઈ જવાયા હતા. નરહરી અમિને કોંગ્રેસમાં ખેંચતાણ ચાલતી હોવાનો આક્ષેપ લગાવ્યો.
અભય ભારદ્વાજે રાજનીતિમાં શાંતિ રાખવી ખુબ જરૂરી હોવાની વાત કરી અને જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.
વિધાનસભાના હાલના સંખ્યાબળને જોતા આ ચૂંટણીમાં ભાજપ એક વધારાની બેઠક ગુમાવી શકે છે, જેથી આ બેઠક જાળવી રાખવા ભાજપ સતત વ્યૂહરચના બદલી રહ્યો છે. 2017ની રાજ્યસભા ચૂંટણી બાદ આ ચૂંટણીમાં પણ રસાકસી થવાની છે.
ભાજપ પોતાની એક બેઠક બચાવવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા અથવા તો ક્રોસ વોટિંગ કરાવવા પ્રયત્નો કરી શકે છે, જ્યારે કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને બચાવવા માટેના પ્રયાસોમાં લાગી છે.