Chirag Patel Resigned: ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, લોકસભા ચૂંટણી પહેલા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું
Chirag Patel Resigned: ચૂંટણી આવે એટલે કોંગ્રેસ માટે માથાનો દુખાવો શરૂ થાય, લોકોના પ્રશ્નો લઇને લોકોની વચ્ચે જવાની વાત તો દૂર રહી, કોંગ્રેસ પોતાના નેતાઓને બચાવવામાં નિષ્ફળ દેખાય છે. એમના અંદરોની ઝઘડામાં બહાર ના આવી શકતી કોંગ્રેસ હવે લોકસભામાં કોઇ ખાસ ઉઘારી નહીં શકે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે.
Chirag Patel Resigned: ચૂંટણી આવે એટલે કોંગ્રેસ માટે માથાનો દુખાવો શરૂ થાય
Chirag Patel Resigned: કોંગ્રેસના અને ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસ સાથેનો છેડ્યો ફાડ્યો છે. સવારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. આ અટકળોની વચ્ચે તેઓ વિધાનસભાગૃહમાં અધ્યક્ષ ચેમ્બરમાં પહોંચ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. અધ્યક્ષને મળવા પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં પક્ષને તોડવાની કામગીરી ચાલી રહી છે.
ચિરાગ પટેલે શું કહ્યું
આજે સવારે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, હું અત્યારે કોંગ્રેસનો ધારાસભ્ય છું. હાલ મારા વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવ્યો છું. બપોર પછી ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. તેમણે ઇશારામાં એવો અંદેશો આપ્યો છેકે, આજે બપોર બાદ સંભવતઃ તેઓ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી શકે છે.
બીજી તરફ રાજ્યના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે આ સંદર્ભે મીડિયાને જણાવ્યું છેકે, આ સતત ચાલતી પ્રક્રિયા છે. અમે કોઇને બોલાવતા નથી. ગુજરાતમાં કોંગ્રેસ જેવું કશું રહ્યું નથી. કોંગ્રેસના નેતાઓ ગુંગળાઈ રહ્યાં છે.
2022ની ચૂંટણીમાં 3711 મતથી ચિરાગ પટેલ જીત્યા હતા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. 1990 બાદ પહેલીવાર ખંભાતમાં કોંગ્રેસ જીત્યું હતું. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે ચિરાગ પટેલને ટિકીટ આપી હતી. તેમની સામે ભાજપે મહેશ રાવલને મેદાને ઉતાર્યા હતા. જેમાં ચિરાગ પટેલને 69,069 મત જ્યારે મહેશ રાવલને 65,358 મત મળ્યા હતા. ચિરાગ પટેલનો 3711 મતથી વિજય થયો હતો.
થોડા દિવસ પહેલા આપના ધારાસભ્યે આપ્યું હતું રાજીનામું
નોંધનીય છેકે, થોડા દિવસ પહેલા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી અને આપના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ પહેલા ભાજપના નેતા હતા પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વિસાવદરના ધારાસભ્ય બન્યા ત્યારથી એવી અટકળો હતી કે તેઓ ભાજપમાં પરત ફરી શકે છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હજી સુધી તેઓ કોઇ પક્ષમાં જોડાયા નથી. એવું માનવામાં આવી રહ્યું છેકે કમુર્તા બાદ તેઓ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.