આજે વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે
વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. વાવ વિધાનસભા બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. 10એ ઉમેદવારોનું ભવિષ્ય 3.10 લાખ મતદારોના હાથમાં છે. આ બેઠક પરન ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે. આ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાં માવજી પટેલ મેદાનમાં છે.
વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી-કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 1 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ૨૩ નવેમ્બરના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર વિધાન સભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમણે વાવના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ આબરૂના પ્રતિક સમી બની ગઈ છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ જોરશોરથી ગામડે-ગામડે જઈને ચૂંટણી પ્રચાર કર્યો છે. તમામ ઉમેદવારોએ મતદાતાઓને પોતાની તરફ ઝુકવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલે પણ ગામેગામ ચૂંટણી સભાઓ યોજીને પોતાને મત આપવા અપીલ કરી છે. જોકે માવજી પટેલ આ ચૂંટણીને ચૂંટણી નહીં પણ યુદ્ધ ગણાવ્યું છે. પોતાના નિશાન બેટથી ફટકા મારી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકારે પણ ગુલાબસિંહ રાજપૂત માએટ ચૂંટણી પ્રચાર કર્યો છે. તેમણે પ્રચાર દરમિયાન કહ્યું હતું કે વાવ હંમેશા મારો ગઢ રહ્યો છે. આ વિસ્તાર કૌટુંબિક અને પરિવાર છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશે. 2022 માં ચૌધરી સમાજે 90થી 100 ટકા વોટ ભાજપને આપ્યા હતા. આ વખતે કોને વોટ આપશે એ એમનો વિષય છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો છે. જાહેર સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, તમે જે મને પાઘડી પહેરાવી છે, તે પાઘડીની લાજ તમે રાખશો તો 13 તારીખે મતદાન છે, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે, આ ચૂંટણી હું નથી લડતો. આ ચૂંટણી સમાજ લડશે. આ ચૂંટણી સમાજના વિકાસ માટે સમાજે ઉપાડવાની છે. આ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે પોતાની પાઘડી ઉતારી દીધી હતી. પાઘડી ઉતારી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, હું પાઘડી ઉતારીને વિનંતી કરૂ છું કે, આ પાઘડીની લાજ તમારે રાખવાની છે.