રાજ્યસભાની ચાર બેઠક માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે હવે કોને કેટલી બેઠક મળશે તેનો મદાર ધારાસભ્યોના મત પર છે. ત્યારે ભાજપ ત્રણ બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવશે તો કોંગ્રેસ એક બેઠક વધારવા એટલે બે બેઠક જીતવા ધારાસભ્યોને સાચવશે.
આ ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થવાની છે, ત્યારે દરેક ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ. આમ હાલમાં રાજ્યસભામાં 4 બેઠક ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે.
જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 111 MLAના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે.