ગાંધીનગરમાં મોટી રાજકીય હલચલ: કેબિનેટ વિસ્તરણથી ભાજપની નવી વ્યૂહરચના
ગુજરાત કેબિનેટ વિસ્તરણ 2025: ગુજરાતના રાજકારણમાં આજે (17 ઓક્ટોબર, 2025) એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કરીને કુલ 26 મંત્રીઓની નવી યાદી જાહેર કરી છે. ગુરુવારે (16 ઓક્ટોબર) રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામાં આપ્યા હતા, જેના પછી આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાયો. આ વિસ્તરણ 2027ની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેમાં પાર્ટીએ યુવા નેતાઓ અને મહિલા પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથવિધિ કરાવી, જેમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શપથ લીધા હતા.. આ નવા મંત્રીમંડળમાં 6 જૂના મંત્રીઓને જગ્યા મળી છે, જ્યારે 19 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કુલ 10 જેટલા અનુભવી દિગ્ગજ નેતાઓને આ વખતે સ્થાન મળ્યું નથી, જે ભાજપની લાંબા ગાળાની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે.
નવા મંત્રીમંડળમાં સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી છે કે અનેક અનુભવી નેતાઓને આ વખતે બાહાર કરવામાં આવ્યા છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તાજગી લાવવાનો નિર્ણય લીધો છે. જે મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે, તેમની યાદી આ પ્રમાણે છે:
* બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર)
* રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
* બચુ ખાબડ (દેવગઢ બારિયા)
* મૂળુ બેરા (ખંભાળિયા)
* કુબેર ડિંડોર (સંતરામપુર)
* મુકેશ પટેલ (ઓલપાડ)
* ભીખુસિંહ પરમાર (મોડાસા)
* કુંવરજી હળપતિ (માંડવી-સુરત)
* જગદીશ વિશ્વકર્મા (નિકોલ)
* ભાનુબહેન બાબરિયા (રાજકોટ ગ્રામ્ય)
આ નેતાઓમાંથી કેટલાકે લાંબા સમયથી પાર્ટી માટે મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ નવી પેઢીને તક આપવા માટે આ નિર્ણય લેવાયો છે.
19 નવા ચહેરાઓને મળી તક: યુવા અને મહિલા નેતાઓને પ્રાધાન્ય
આ વિસ્તરણમાં ભાજપે નવી ઊર્જા લાવવા 19 નવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. આમાં યુવા નેતાઓ, મહિલા પ્રતિનિધિઓ અને વિવિધ જાતિઓનું પ્રતિનિધિત્વ સામેલ છે. વિશેષ રીતે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા (જામનગર ઉત્તર) અને પોરબંદરના અનુભવી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પણ સ્થાન મળ્યું છે. નવા મંત્રીઓની યાદી આ પ્રમાણે છે:
* દર્શના વાઘેલા (અસારવા)
* મનીષા વકીલ (વડોદરા શહેર)
* રિવાબા જાડેજા (જામનગર ઉત્તર)
* સ્વરૂપજી ઠાકોર (વાવ)
* જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)
* કાંતિ અમૃતિયા (મોરબી)
* કૌશિક વેકરિયા (અમરેલી)
* રમેશ કટારા (ફતેપુરા)
* ત્રિકમ છાંગા (અંજાર)
* ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)
* રમણ સોલંકી (બોરસદ)
* સંજયસિંહ મહિડા (મહુધા-ખેડા)
* પ્રવીણ માળી (ડીસા)
* પ્રદ્યુમન વાઝા (કોડીનાર)
* નરેશ પટેલ (ગણદેવી)
* પી.સી. બરંડા (ભીલોડા)
* કમલેશ પટેલ (પેટલાદ)
* અર્જુન મોઢવાડિયા (પોરબંદર)
આ નવા મંત્રીઓમાં
* OBCથી 8
* પટીદારથી 6
* આદિવાસીથી 4
* SCથી 3
* ક્ષત્રિયથી 2 અને
* બીજી જાતિઓથી 3
પ્રતિનિધિત્વ છે, જે રાજ્યની વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. આ કેબિનેટ વિસ્તરણથી ભાજપ આગામી નગરપાલિકા ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા માટે તૈયારી વધારશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ નવી ટીમ વિકાસ અને લોકકલ્યાણને વધુ મજબૂત બનાવશે. રાજકારણીઓ અને વિશ્લેષકો માને છે કે આ ફેરફારથી પાર્ટીમાં નવી ઉર્જા આવશે, જોકે જૂના નેતાઓના સમર્થકોમાં કેટલીક અસંતોષની શક્યતા છે.