GUJARAT ELECTIONS 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક છે. 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓને સંબોધવા માટે તૈયાર છે.તેઓ ગુજરાતમાં 19 નવેમ્બરથી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે.
મોદીની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરાશે,અહીં એક ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન છે. પીએમ મોદી 19 થી 21 નવેમ્બર સુધી ગુજરાતમાં રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8 રેલીઓને સંબોધશે અને રેલીમાં લગભગ 30 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવાશે.
89 મતવિસ્તારોમાં 15 રેલીઓ
મોદી ફરીથી 23 નવેમ્બર અને 28 નવેમ્બરે ગુજરાત આવી શકે છે. તે દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 89 મતવિસ્તારોમાં 15 રેલીઓને સંબોધિત કરશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર 28 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મોદી 30 નવેમ્બર અને 3 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 15 રેલીઓને સંબોધિત કરી શકે છે.
વડાપ્રધાનની દરેક રેલીમાં પાંચ-સાત વિધાનસભા મત વિસ્તારોમાંથી કાર્યકરોને એકત્ર કરવાની વ્યવસ્થા થઇ રહી છે. ગુજરાતના લગભગ તમામ મત વિસ્તારોમાં સભાઓ અને રેલીઓનું આયોજન કરાઇ રહ્યું છે. પ્રચાર અભિયાનને વધારવા લાઇવ વેબકાસ્ટ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરાશે.