Two Voter IDs: બિહારમાં હાલમાં ચાલી રહેલા વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં અનેક ગરબડોની ફરિયાદો સામે આવી રહી છે. આ દરમિયાન એક જ મતદાતાના બે વોટર આઈડી (EPIC) હોવાના કેસ પ્રકાશમાં આવ્યા છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર બે વોટર આઈડી રાખવું એ ગેરકાયદેસર છે, જેના માટે જેલ, દંડ અને મતદાનનો અધિકાર ગુમાવવાની સજાનો પ્રાવધાન છે. નોંધનીય છે કે RJD નેતા તેજસ્વી યાદવને પણ બે વોટર આઈડી રાખવાના આરોપમાં ચૂંટણી પંચ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા SIRનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક ફરિયાદ અને ખોટી માહિતીનું ફેક્ટ-ચેકિંગ કરવામાં આવે છે. બિહારમાં SIRના પ્રથમ તબક્કામાં ગણતરી ફોર્મનું વિતરણ અને સંગ્રહ પૂર્ણ થઈ ગયું છે. હવે બીજા તબક્કામાં દાવા અને વાંધાની પ્રક્રિયા શરૂ થઈ છે.
બે વોટર આઈડી હોય તો એક તાત્કાલિક રદ કરો
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બે વોટર આઈડી રાખવું એ જનપ્રતિનિધિત્વ કાયદો, 1950ની કલમ 17 અને 18 હેઠળ ગુનો છે. આના માટે મહત્તમ એક વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે. આ ઉપરાંત, મતદાતાને મતદાનનો અધિકાર પણ ગુમાવવો પડી શકે છે.
જો તમારી પાસે બે વોટર આઈડી છે, તો એકને રદ કરાવો. BLOનો સંપર્ક કરો અને નજીકના બૂથ લેવલ ઓફિસરને મળી ફોર્મ-7 ભરો. ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકો છો. આ નિયમોનું પાલન કરીને તમે કાનૂની મુશ્કેલીઓથી બચી શકો છો અને તમારો મતદાનનો અધિકાર સુરક્ષિત રાખી શકો છો.