અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દે સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, રાહુલ ગાંધીની નાગરિકતા અંગે 10 દિવસની અંદર સ્પષ્ટ અહેવાલ રજૂ કરવામાં આવે. આ મામલાની આગામી સુનાવણી માટે 5 મે, 2025ની તારીખ નક્કી કરવામાં આવી છે.
આ આદેશ ન્યાયમૂર્તિ એ.આર. મસૂદી અને ન્યાયમૂર્તિ રાજીવ સિંહની ખંડપીઠે કર્ણાટકના એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર આપ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે, જેના સમર્થનમાં અરજદાર પાસે બ્રિટિશ સરકારના ઈ-મેલ સહિતના દસ્તાવેજો છે. આ આધારે રાહુલ ગાંધી ચૂંટણી લડવા અને લોકસભા સભ્યપદ ધરાવવા માટે અયોગ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અગાઉની સુનાવણી દરમિયાન ડેપ્યુટી સોલિસિટર જનરલ એસ.બી. પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે, અરજદારની ફરિયાદના આધારે સંબંધિત મંત્રાલયે રાહુલ ગાંધીની કથિત બ્રિટિશ નાગરિકતા અંગે વિગતો મેળવવા બ્રિટન સરકારને પત્ર લખ્યો છે. આ માટે સરકારે નિર્ણય લેવા માટે વધુ સમયની માગણી કરી હતી.
અરજદારે દલીલ કરી છે કે, રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા ભારતીય ન્યાય સંહિતા અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો ગણાય છે. આથી, તેમણે સીબીઆઈને આ મામલે કેસ નોંધી તપાસ કરવાનો આદેશ આપવાની માગણી કરી છે. વધુમાં, અરજદારે જણાવ્યું કે, તેમણે આ મુદ્દે સંબંધિત અધિકારીઓને બે વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આ અરજી દાખલ કરવામાં આવી છે.